સુષ્મા સ્વરાજના નામે અનેક કીર્તિમાન, 25 વર્ષની ઉંમરે બન્યા હતા કેન્દ્રીયપ્રધાન - gujarati news
નવી દિલ્હી: પૂર્વ વિદેશપ્રધાન અને ભારતીય જનતા પક્ષના પીઢ નેતા સુષ્મા સ્વરાજનું નિધન થયું છે. છેલ્લા ઘણા મહિનાઓથી તેઓ બિમાર હતા. જેને કારણે તેમણે લોકસભા ચૂંટણી લડવા પર પણ મનાઇ કરી હતી.
પૂર્વ વિદેશપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના સીનિયર નેતા સુષ્મા સ્વરાજનું નિધન થયું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ બીમાર હતા. સુષ્મા સ્વરાજ છેલ્લી વખત જુલાઇ મહિનામાં વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમમાં નજર આવ્યા હતા. સુષ્મા સ્વરાજે 67 વર્ષની ઉંમરે દિલ્હી સ્થિત AIMSમાં છેલ્લા શ્વાસ લીધા છે. સુષ્મા સ્વરાજના જીવનમાં અનેક ચઢાવ-ઉતાર આવ્યા છે અને તેમણે જીવનકાળમાં અસાધારણ કાર્યો કર્યા છે. ભારતીય રાજકારણથી માંડી અન્ય દેશોમાં તેમનું નામ સન્માનથી લેવામાં આવે છે. એક સફળ વિદેશ પ્રધાન તરીકે તેમણે પ્રશંસનીય કામગીરી કરી હતી. જેને આખો દેશ યાદ કરશે.
તેમના રાજકીય સફરની શરુઆત અનોખી રહી હતી. જેપીના આંદોલનમાંથી સક્રિય રાજકારણમાં આવનારા સ્વરાજ 1977માં 25 વર્ષની ઉંમરે ભારતના કેબિનેટ પ્રધાન બન્યા હતા. તેમને 1977 થી 1979 સુધી સામાજિક કલ્યાણ, શ્રમ અને રોજગાર જેવા 8 મંત્રાલય મળ્યા હતા. જેના બાદ 1979માં 27 વર્ષે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીના રાજ્ય અધ્યક્ષ બન્યા હતા. સુષ્મા સ્વરાજના નામે રાષ્ટ્રીય સ્તરે રાજનીતિક પાર્ટીના પ્રથમ મહિલા પ્રવકતાનું સન્માન તેમને પ્રાપ્ત થયું હતું. તે ઉપરાંત સુષ્મા સ્વરાજ પ્રથમ મહિલા મુખ્યપ્રધાન, કેન્દ્રીય કેબિનેટ પ્રધાન અને વિપક્ષના પ્રથમ મહિલા નેતા બન્યા હતા.
સુષ્મા સ્વરાજની રાજકીય સફર ઘણી શકિતશાળી નેતાના રુપમાં રહી છે. તેમની રાજકીય આવડત તેમના કામ કરવાની ઢબ અને નિર્ણય શક્તિ પરથી આંકી શકાય છે. ઇંદિરા ગાંધી પછી સુષ્મા સ્વરાજ જ એવા મહિલા હતા જેમણે વિદેશ મંત્રાલય સંભાળ્યું હતું. છેલ્લા 40 વર્ષમાં તેમણે 11 ચૂંટણીઓ લડી હતી. જેમાં 3 વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા પણ ખરા. સુષ્મા 7 વખત સાંસદ પણ રહી ચુક્યા છે.
પંજાબના અંબાલામાં જન્મેલા સુષ્મા સ્વરાજે પંજાબની યુનિવર્સિટી ચંદીગઢમાં કાયદાની ડિગ્રી લીધી હતી. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમણે સૌ પ્રથમ જયપ્રકાશ નારાયણના આંદોલનમાં આગળ પડતા રહીને ભાગ લીધો હતો. આપાતકાળનો પુરો વિરોધ કરીને તેઓ સક્રિય રીતે રાજકારણમાં જોડાઇ ગયા હતા. સુષ્મા સ્વરાજ ભારતીય સાંસદની પ્રથમ અને એકમાત્ર એવા મહિલા હતા જેમને આઉટસ્ટૈંડિગ પાર્લિમૈન્ટેરિયનનું સન્માન મળ્યું છે.