નવી દિલ્હી: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ભારત-ચીન તણાવ અંગે મીડિયા સાથે વાત કરી હતી. સુરજેવાલાએ કહ્યું કે, ચીની સૈન્ય દ્વારા કરવામાં આવેલા હુમલામાં દેશના ઉચ્ચ સૈન્ય અધિકારી સહિત 20 જવાનોની શહાદત સમગ્ર દેશમાં ભારે રોષની લાગણી છે,
સુરજેવાલાએ કહ્યું કે, સમગ્ર દેશને આપણા બહાદુર જવાનો પર ગર્વ છે, જેમણે પોતાનું બલિદાન આપ્યું છે અને ભારતની રક્ષા કરી છે. અમને ભારતના હિંમતવાન સૈનિકો પર ગર્વ છે, જેઓ હજી દુશ્મનોનો સામનો કરી રહ્યાં છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારે ચીની સેનાની આ હિંમત અંગે મૌન ધારણ કર્યું છે. દેશને અપેક્ષા નહોતી કે સરકારના મૌનનું પરિણામ આટલું ખતરનાખ આવશે. કેન્દ્રની ભાજપ સરકારની ભૂલો અને નિષ્ફળતાને કારણે દેશને સૈનિકોની શહાદતનો આ દુઃખદ અને પીડાદાયક દિવસ જોવો પડ્યો.
કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે, રાહુલ ગાંધી, કોંગ્રેસ પાર્ટી અને બધા વિપક્ષો કેન્દ્ર સરકારને વારંવાર વિનંતી કરતા રહ્યાં, ચેતવતા રહ્યાં હતાં. કોંગ્રેસે સતત સવાલો કર્યા કે, સરહદ પર સ્થિતિ શું છે?, ચીની સેના આપણી સીમામાં ક્યાં સુધી પ્રવેશી છે?, પરંતુ બેદરકાર અને નિષ્ફળ સરકાર રાજકીય ચૂંટણીની લડાઇ, વિપક્ષની સરકારોને પછાડવા અને દેશની સરહદના સત્યને છુપાવવામાં વ્યસ્ત છે. દુ: ખની વાત એ છે કે કેન્દ્રની ભાજપ સરકારની પ્રાથમિકતા દેશની નહીં પરંતુ પોતાની પાર્ટીની શક્તિ વધારવાની છે.