- રાજકોટની કોવિડ હોસ્પિટલમાં આગને લઈને સુપ્રીમમાં થઈ સુનાવણી
- તમામ રાજ્યમાં કોવિડ હોસ્પિટલમાં ફાયર એનઓસી મેળવી લેવા આદેશ
- ફાયર એનઓસી ન ધરાવતી કોવિડ હોસ્પિટલ સામે થશે કડક કાર્યવાહી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને શુક્રવારે સૂચન કર્યું છે કે, કોવિડ-19 હોસ્પિટલોમાં આગથી સુરક્ષાની તપાસ કરે. એટલે દેશમાં હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાને રોકી શકાય. સુપ્રીમ કોર્ટે કોવિડ-19 હોસ્પિટલોને 4 અઠવાડિયાની અંદર ફાયર એનઓસીના પ્રમાણપત્રને રિન્યૂ કરાવવા આદેશ કર્યો છે. નહીં તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
એનઓસીની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય તો ચાર અઠવાડિયામાં મેળવી લેવા આદેશ
ન્યાયાધીશ અશોક ભૂષણના નેતૃત્વવાળી એક પીઠે કહ્યું, જે હોસ્પિટલોની ફાયર એનઓસીની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. તેમણે ચાર અઠવાડિયાની અંદર મેળવી લેવી પડશે. ન્યાયાધીશ આર. એસ. રેડ્ડી અને ન્યાયાધીશ એમ.આર.શાહ પણ આ પીઠમાં સામેલ હતા. પીઠે કહ્યું, રાજકીય રેલીઓ અને કોવિડ-19થી જોડાયેલા સૂચનોના પાલન મદ્દાને ચૂંટણી આયોગ જોશે. સુપ્રીમ કોર્ટે ગુજરાતના રાજકોટમાં એક કોવિડ-19 હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બાદ આ સમગ્ર બાબત ધ્યાનમાં લીધી હતી. આ ઘટનામાં ઘણા દર્દીઓના મોત થયા હતા. કોર્ટે કહ્યું કે, જે હોસ્પિટલે ફાયર સેફ્ટીની એનઓસી નથી મેળવી તે તમામ લોકો મેળવી લે. નહીં તો કડક કાર્યવાહી કરાશે.
સતત કામ કરવાથી ડૉક્ટર્સનું માનસિક સ્વાસ્થ્ય બગડે છે
કોવિડ-19 દર્દીઓની સારી સારવાર અને હોસ્પિટલોમાં કોવિડ-19થી મરનારા દર્દીઓના મૃતદેહને સન્માનજનક રીતે રાખવા મામલાને જાતે ધ્યાનમાં લીધું હતું. આ સુનાવણી દરમિયાન રાજકોટ હોસ્પિટલમાં આગનો મામલો આવ્યો હતો. 15 ડિસેમ્બરે આ મામલાની સુનાવણી કરતા પીઠે કેન્દ્ર સરકારને કહ્યું, ગત સાત-આઠ મહિનાથી કોવિડ-19 પર તહેનાત ડૉક્ટર્સની રજાની મંજૂરી પર વિચાર કરો. કોર્ટનું કહેવું છે કે, સતત કામ કરવાથી ડૉક્ટર્સનું માનસિક સ્વાસ્થ્ય બગડી રહ્યું છે.