ઇન્દૌર: રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટની પૃષ્ઠભૂમિમાં પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને કહ્યું કે રાજકારણમાં યુવા નેતૃત્વની અવગણના ન થવી જોઈએ અને ભાજપે તેના વિશે વિચારવાનું શરૂ કર્યું છે.
રાજસ્થાનના રાજકીય સંકટને લગતા સવાલ પર મહાજને પત્રકારોને જણાવ્યું હતું કે, "તેઓ (શાસક કોંગ્રેસ) રાજસ્થાનમાં આંતરીક લડત લડી રહ્યા છે, પરંતુ હવે એવો સમય આવ્યો છે કે (રાજકારણમાં) યુવા નેતૃત્વની પણ અવગણના કરવામાં ન આવે અને ભાજપે આ વિચારવાનું શરૂ કર્યું છે કે યુવાનોને અવગણવું ન જોઈએ. "
ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્ત થયેલા 77 વર્ષીય ભાજપ નેતાએ કહ્યું કે, રાજકારણમાં યુવાનોને પણ તેમની ક્ષમતા બતાવવાની તક મળવી જોઈએ. જોકે, પૂર્વ લોકસભા અધ્યક્ષે રાજસ્થાનમાં શાસક કોંગ્રેસના રાજકીય સંકટ પર સીધી ટિપ્પણી કરવાનો ઇનકાર કરતાં કહ્યું કે કોંગ્રેસ સંગઠને તેની આંતરિક સમસ્યાઓનું ધ્યાન રાખવું જોઈએ.
મીડિયા સાથેની વાતચીત પૂર્વે મહાજનએ ઈન્દોર જિલ્લાના સેવર વિધાનસભા ક્ષેત્રની આગામી પેટા ચૂંટણીઓના પગલે ભાજપના 'હર-હર મોદી, ઘર-ઘર તુલસી' અભિયાનની શરૂઆત કરી હતી. આ અંતર્ગત, ભાજપના કાર્યકરો ઘરે ઘરે જઈને પ્રદેશની જનતાને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની ઉપલબ્ધિઓ વિશે માહિતી આપી રહ્યા છે અને તેમને તુલસીનો છોડ આપી રહ્યા છે.