નવી દિલ્હી: કોરોના વાઈરસનું પ્રથમ પ્લાઝ્મા ટ્રાયલ દેશમાં સફળ રહ્યું છે. દિલ્હી સ્થિત સાકેતની મેક્સ હોસ્પિટલમાં દાખલ દર્દી પર પ્લાઝ્મા થેરેપીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દેશમાં પ્રથમ વખત આ થેરેપીથી ગંભીર રીતે સંક્રમિત 49 વર્ષીય વ્યક્તિની પ્લાઝમાં થેરેપી દ્વારા સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે. આ ટ્રાયલ દ્વારા કોરોના ચેપગ્રસ્ત દર્દીને લોહી આપવામાં આવે છે. આ માટે એવા લોકોનું લોહી લેવામાં આવે છે જેમને પહેલા કોરોના ચેપ લાગ્યો હતો અને હવે તેઓ સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોય.
હોસ્પિટલનું કહેવું છે કે, ડિફેન્સ કોલોનીમાં રહેતા દર્દીને 4 એપ્રિલે મેક્સ હોસ્પિટલના ઇસ્ટ બ્લોકમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે જ દિવસે તપાસમાં તેને કોરોનાની પુષ્ટિ મળી હતી. શરૂઆતમાં તેને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ હતી પરંતુ એક-બે દિવસમાં જ સ્થિતિ ગંભીર થવાથી ઓક્સિજન આપવાની ફરજ પડી હતી. પરંતુ તેને ન્યુમોનિયા થવાથી ફેફસાં પણ યોગ્ય રીતે કામ કરવામાં અસમર્થ હતા. આથી દર્દીને 8 એપ્રિલે આઈસીયુમાં વેન્ટિલેટરને પર રાખવામાં આવ્યો હતો.
તે જ સમયે તેના પરિવારે કહ્યુ કે, હોસ્પિટલના સ્ટાફને તેમની સારવાર માટે પ્લાઝ્મા થેરાપી આપવાની વિનંતી કરી હતી. પ્લાઝમાં ડોનર પણ પરિવારના લોકો જાતે જ શોધી લાવ્યા હતા. જે ત્રણ અઠવાડિયા અગાઉ સ્વસ્થ થઈ ગયો હતો. બે વખત ડોનરનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ સિવાય પણ મેક્સ હોસ્પિટલમાં HIV, હેપેટાઇટિસ બી અને સી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ બધા રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તેમના લોહીમાંથી પ્લાઝ્મા લીધા પછી 14 એપ્રિલે દર્દીને આપવામાં આવ્યા હતા.