ન્યૂઝ ડેસ્કઃ માસાચ્યુસેટ્સ (યુએસએ) સમગ્ર વિશ્વ જ્યારે કોરોના વાઇરસની કટોકટીનો સામનો કરી રહ્યું છે, ત્યારે બોસ્ટનમાં આવેલી બે હોસ્પિટલોના તબીબોએ નોંધ્યું છે કે કોવિડ-19ની ચપેટમાં આવેલા સૌથી ગંભીર દર્દીઓમાંથી મોટા ભાગના-જેમને ઈન્ટેન્સિવ કેર યુનિટમાં વેન્ટિલેટર્સની જરૂર પડતી હતી, તેઓ શ્વસનતંત્રની નિષ્ફળતા માટે સહાયક સારવારની હાલની માર્ગદર્શિકા મુજબ સારવાર મળતાં સાજા થયા છે.
માસાચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલ (એમજીએચ) અને બેથ ઈઝરાયેલ ડીકોનેસ મેડિકલ સેન્ટરના તબીબોએ વેન્ટિલેટર્સની જરૂર હોય, તેવા ગંભીર તબક્કે પહોંચેલા કોવિડ-19ના દર્દીઓ બાબતે ચર્ચા કરી હતી. આ અભ્યાસ અમેરિકન જર્નલ ઓફ રેસ્પિરેટરી એન્ડ ક્રિટિકલ કેર મેડિસિનમાં પ્રકાશિત થયો હતો.
કોવિડ-19ના સૌથી ગંભીર દર્દીઓ સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ મળે તો બચી શકે કોવિડ-19 મહામારી દરમિયાન વિશ્વભરની હોસ્પિટલોએ અસરગ્રસ્ત દર્દીઓની સંભાળ માટે પોતાના અનુભવોને લગતી માહિતી પરસ્પર વહેંચીને એકબીજાને મદદરૂપ થઈ રહી છે, પરંતુ આ પ્રકારની અનુભવકથા હંમેશા સારવારની શ્રેષ્ઠ વ્યૂહરચના જણાવતી હોતી નથી અને તેનાથી કેટલીકવાર નુકસાન પણ થઈ શકે છે.
વધુ વિશ્વસનીય માહિતી ઉપલબ્ધ બને તે માટે MGS અને હાર્વર્ડ મેડિકલ સ્કૂલના મેડિસિન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સી. કોરેય હાર્ડિનની આગેવાની હેઠળની ટુકડીએ કોવિડ-19ના ગંભીર બીમાર, શ્વસનતંત્ર નિષ્ફળ બની ગયું હોય અને વેન્ટિલેટર્સ પર રાખ્યા હોય, તેવા 66 દર્દીઓની સાવચેતીભરી તપાસનો રેકોર્ડ તપાસ્યો હતો અને દર્દીઓને મળેલી સારવાર પ્રત્યે તેમના પ્રતિસાદની નોંધ તૈયાર કરી હતી.
સંશોધકોને જાણવા મળ્યું કે કોવિડ-19ના મોટા ભાગના ગંભીર કેસો એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ (એઆરડીએસ) નામની જીવલેણ ફેફસાંની સ્થિતિમાં પરિણમે છે, જેના પગલે અનેક બીમારીઓ સર્જાઈ શકે છે. ડૉ. હાર્ડિને જણાવ્યું હતું કે "સારા સમાચાર એ છે કે અમે છેલ્લાં 50 કરતાં વધુ વર્ષોથી ARDSનો અભ્યાસ કરી રહ્યા છીએ અને અમારી પાસે સારવાર માટે અસરકારક પુરાવા-આધારિત અનેક થેરાપીઝ છે."
ડૉ. હાર્ડિને ઉમેર્યું કે અમે પ્રોન વેન્ટિલેશન, જેમાં દર્દીને પેટના જોરે ઊંધો સુવડાવીને સારવાર અપાય છે, તેના જેવી સારવારો અમારા અભ્યાસ હેઠળના દર્દીઓને આપી અને તેનાથી તેમનો સકારાત્મક પ્રતિસાદ મળ્યો, કેમકે અમે એઆરડીએસગ્રસ્ત દર્દીના જેવો જ પ્રતિસાદ મળવાની આશા ધરાવતા હતા. મહત્ત્વની બાબત એ છે કે આ રીતે સારવાર પામનારા કોવિડ-19ના ગંભીર બીમાર દર્દીઓનો મૃત્યુ દર 16.7 ટકા નોંધાયો હતો, જે અન્ય હોસ્પિટલો કરતાં નીચો હતો.
સરેરાશ 34 દિવસના ફોલો-અપ બાદ વેન્ટિલેટર ઉપર હતા, તેવા 75.8 ટકા દર્દીઓને ઈન્ટેન્સિવ કેર યુનિટમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. સહ-લેખક અને માસ જનરલમાં મેડિસિન વિભાગમાં ઈન્સ્ટ્રક્ચર જેહાન અલ્લાદિનાએ જણાવ્યું કે "આના આધારે કોવિડ-19ને કારણે જે દર્દીઓને શ્વસનતંત્રની નિષ્ફળતા સર્જાઈ છે, તેમને પુરાવા-આધારિત એઆરડીએસ સારવાર આપવા અમે તબીબોને ભલામણ કરીએ છીએ અને ઉપચારની નવી પદ્ધતિઓ વિશે વિચારતાં પહેલાં પ્રમાણિત ક્લિનિકલ ટ્રાયલ્સની રાહ જોવી જોઈએ."