સુષમા સ્વરાજને રાજકારણ વારસામાં નહોતું મળ્યું. 1975માં લદાયેલી કટોકટીમાં જયપ્રકાશ નારાયણના આંદોલનમાં સક્રિયપણે ભાગ લીધો. કટોકટી પછી તેમણે સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું. 1977માં જનતા પાર્ટીમાં જોડાયા અંબાલા છાવણી વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડી અને જીત્યા. આ પછીની રાજકીય સફરમાં ઘણાં ઉતાર-ચઢાવ આવ્યાં.
21 જૂન 1977માં પહેલીવાર દેવી લાલ ચૌધરી હરિયાણાના મુખ્યપ્રધાન બન્યાં હતાં. જનતા પાર્ટીએ 90માંથી 75 બેઠક પર જીત મેળવી હતી. પ્રધાનમંડળ બનાવવું તેમના માટે સૌથી મોટો પડકાર હતો. વધુમાં વધુ 10 જ પ્રધાન બની શકતાં હતાં. તેમાં પણ જનતા પાર્ટીના દબદબો હતો. કોઇની પાસે બે ધારાસભ્ય તો કોઇ પાસે 45. આમ, પ્રધાન પદ માટેની ખેંચતાણ શરૂ થઈ. આખરે 6 પ્રધાન બન્યાં. તેમાનાં એક સુષમા સ્વરાજ હતાં. આ વખતે તેમની ઉંમર માત્ર 25 વર્ષની હતી. આટલી નાની ઉંમરમાં તેમણે કેબિનેટ પ્રધાનનું પદ સ્વીકાર્યુ. પણ આ પદ તેમની પાસે લાંબો સમય ટક્યું નહોતું. 17 નવેમ્બર 1977ના રોજ ઈન્ડિયન એક્સપ્રેસમાં સમાચાર છપાયાં કે, અચાનક સુષમા સ્વરાજ પાસેથી કેબિનેટ પ્રધાન પદ છીનવી લેવાયું છે. તે સમયે તેઓ હાઉસીંગ મિનિસ્ટર હતાં. સરકારની આલોચના કરવાની તેમને સજા મળી હતી. જો કે, સરકાર દ્વારા સ્પષ્ટ કારણ જણાવવામાં આવ્યું નહોતું. પણ સત્તાવાર રીતે જાહેર કરાયેલાં નિવેદનમાં જણવવામાં આવ્યું હતું કે, સુષમા પાસે હાઉસીંગ, જેલ, આર્ટીટેક્ચર, પ્રિન્ટીગ અને સ્ટેશનરી તેમજ કલ્ચરલ અફેયર્સના પોર્ટફોલિયો હતા. તે મુખ્યપ્રધાન દેવીલાલે પોતાની પાસે આચંકી લીધા.
સુષમાને મંત્રાલય સમાજવાદી જૂથમાંથી મળ્યું હતું. તેમના જૉર્જ ફર્નાડીઝ સાથે સારા સંબંધ હતા. તેમને પ્રધાન પદથી હટાવવાનો નિર્ણય અચાનક નહોતો લેવાયો. તે સમયે સરકારમાં દેવીલાલના પુત્ર ઓમ પ્રકાશ ચૌટાલાનો પ્રભાવ હતો. દેવીલાલ તેમના પૂત્રનું કહ્યુ કરતા હતા. જે લોકો ઓમપ્રકાશ ચૌટાલાને પસંદ નહોતા કરતાં તે જૂથમાં રહી શકતાં નહોતા. એવામાં પ્રધાન પદ પર રહેવું મુશ્કેલ હતું. સુષમા પણ આ યાદીમાં સામેલ હતાં. વળી એ સમયે સુષમાએ પણ સરકારની આલોચના કરીને એમને તક આપી દીધી, ઓમપ્રકાશે તેનો ફાયદો ઉઠાવી સુષમાને કેબિનેટ પ્રધાન પદથી હટાવવાની રાજરમત રમી અને તેઓ સફળ પણ થયાં.