હૈદ્રાબાદઃ મંચરિયાલ, સાદ નગર અને કાગઝ નગર ખાતે નકલી કપાસિયાના સ્ટોકનું કૌભાંડ ખુલ્લું પડ્યું તેના બીજી જ દિવસે એના એજ નાટકનું કરીમનગરમાં પુનરાવર્તન થયું હતું. હૈદરાબાદથી જુદા જુદા સ્થળોએ ભેળસેળવાળો નકલી સ્ટોક પહોંચ્યો હોવાની માહિતી મળતાની સાથે જ કરીમનગર પોલીસે નકલી કપાસિયાના 18 ક્વિન્ટલનો જથ્થો પકડી પાડ્યો હતો.
ગત જુલાઇમાં 16 જેટલા ટાસ્કફોર્સે વાયા એપી, મહારાષ્ટ્ર થઇને તેલંગાણાના જુદા જુદા સ્થળોએ આવી રહેલી ટ્રેનો ઉપર દરોડા પાડી નકલી બિયારણના જથ્થાને પકડી પાડ્યો હતો. ગુંતુર, પ્રકાશમ, ખમ્મામ, નાલગોંડા, વારંગલ અને અનંતપુર જિલ્લાઓમાં કેટલાંય વર્ષોથી નકલી બિયારણની ફરિયાદો ઉઠી રહી છે.
આ બાબત બે તેલુગુ રાજ્યો પૂરતી સિમિત નથી. બિયારણ પ્રતિ કિલો રૂ. 125ના ભાવના બદલે પ્રતિ કિલો રૂ. 200ના ભાવે વેચાઇ રહ્યા છે એવી એક ખેડૂતે તાજેતરમાં જ કરેલી લેખિત ફરિયાદના પગલે લુધિયાણા (પંજાબ) પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને નકલી બિયારણોનું એક મસમોટું કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું.
ગત માસે કર્ણાટકના ધારવાડ, બેલ્લરી અને હવેરીમાંથી રૂ. 1 કરોડની કિંમતનો નકલી બિયારણનો જે જથ્થો પકડાયો હતો તે પૂરવાર કરે છે કે કૌભાંડીઓએ આ ખતરનાક પ્રવૃત્તિઓને સરહદો પાર કરાવીને અન્ય રાજ્યોમાં પણ વિસ્તારી છે. નકલી બિયારણો વેચનારા ડિલરોને આકરી શિક્ષા કરવામાં આવશે એવા અનેક દાવા થયા હોવા છતાં આ વાર્ષિક કરૂણાંતિકા દેશમાં વણથંભી પુનરાવર્તન પામી રહી છે.
મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવે દ્વારા તાજેતરમાં જ એવું નિવેદન કરાયું હતું કે નકલી બિયારણના વેપારીઓ ખેડૂતોના હત્યારા છે, તેથી આ નકલી બિયારણના વેપાર-ધંધા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાઇ જવો જોઇએ તે વાતે કોઇ બેમત હોઇ શકે નહીં.
આ અસામાજિક તત્વોની પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટ હેઠળ ધરપકડ થવી જોઇએ અને તેઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઇએ એવા તેમના નિવેદનને ઉચ્ચ પ્રથામિકતા અપાવી જોઇએ. ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણોના ઉપયોગ સંબંધી જે કાંઇ નિયમો-અધિનિયમો છે તેમાં સુધારો કરવાની માંગ દેશમાં 1966થી થતી આવી છે.