લખનઉઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં 19 વર્ષીય યુવતી પર સામુહિક દુષ્કર્મ અને મોત મામલે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જેમાં રાષ્ટ્રીય મહિલા આયોગે (NWC) પીડિતાની ઓળખ છતી કરવાની બાબતને ગંભીરતાથી લીધી છે. NWC પ્રમુખ રેખા શર્માએ જણાવ્યું છે કે, જે પણ લોકોએ પીડિતાનો ફોટો કે નામનો ઉલ્લેખ કર્યો છે, તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. હાલ આ કેસ CBI પાસે છે. સામુહિક દુષ્કર્મની પુષ્ટી થયા બાદ આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય દંડ સંહિતા(IPC) મુજબ જો કોઈ વ્યક્તિ દુષ્કર્મ પીડિતા કે દુષ્કર્મની શંકા હોય તેવી પીડિતાની ઓળખ છતી કરે, તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. IPC કલમ 228(ક) મુજબ જો કોઈ દુષ્કર્મ પીડિતાની નામ, ફોટા કે ઓળખ પ્રકાશિત કરે તો તેની વિરુદ્ધ IPC કલમ 376, 376(A), 376(B), 376(C), 376(D) અથવા 376(E) અંતર્ગત બે વર્ષની જેલ અને દંડ થઈ શકે છે. હાથરસ સામુહિક દુષ્કર્મ કેસમાં હાલ 302(હત્યા), 376(D) (દુષ્કર્મ) અને ST/SC એક્ટ મુજબ FIR દાખલ કરવામાં આવી છે.
ભાજપના IT સેલના ચીફ અમિત માલવીયાએ ટ્વીટ કરીને પીડિતોનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. NCW ચીફ રેખા શર્માને આ વાતની જાણ થઈ ત્યારે તેમને આ મામલે ધ્યાન દોર્યું હતું. જે બાદ ETV BHARAT સાથેની વાતચીત દરમિયાન રેખા શર્માએ જણાવ્યું હતું કે, અમે એવા તમામ લોકો સામે કાર્યવાહી કરીશું કે જેમને પીડિતાના નામ અથવા ફોટોનો ઉપયોગ કર્યો છે. જેમાં અમિત માલવીયા, અભિનેત્રી સ્વરા ભાસ્કર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહનો પણ સમાવેશ થાય છે. હાલ આ કેસ CBI પાસે છે. દુષ્કર્મની પુષ્ટિ બાદ આ અંગે કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે, કે 14 સપ્ટેમ્બરના રોજ હાથરસમાં 19 વર્ષીય યુવતીને માર માર્યા બાદ દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું હતું. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પીડિતાનું 29 સપ્ટેમ્બરના રોજ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જે બાદ દેશભરમાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આ ઘટનામાં સામુહિક દુષ્કર્મ થયું જ નથી. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે હાથરસ યુવતીનું કથિત સામુહિક દુષ્કર્મ અને મોત મામલે CBI તપાસનો આદેશ આપ્યો છે.