લોકોને સાનુકૂળ નવા બંધારણની શ્રીલંકાને જરૂરઃ મહિન્દા રાજપક્સા
શ્રીલંકાના વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ મહિન્દા રાજપક્સાએ ઈટીવી ભારતને એક્સક્લુઝિવ મુલાકાત આપી હતી. ઈટીવી ભારત સાથે વાતચીત કરતાં રાજપક્સાએ કહ્યું કે શ્રીલંકાને નવા બંધારણની જરૂર છે, જે 'બાહ્ય પરિબળો' નહિ, પરંતુ જનતાની આકાંક્ષાને સંતોષનારું હોય. ગયા અઠવાડિયે યોજાયેલી સંસદીય ચૂંટણીમાં રાજપક્સાને ભારે બહુમતી સાથે જીત મળી છે. ત્યારબાદ તેમના નાના ભાઈ અને દેશના પ્રમુખ ગોટાબાયા રાજપક્સાએ કોલંબોના કેલનિયા બૌદ્ધ મંદિરમાં તેમની શપથવિધિ કરી હતી.
હૈદરાબાદ : શ્રીલંકાના વડા પ્રધાન તરીકે શપથ લીધા તે પછી મહિન્દા રાજપક્સાએ ETV ભારતને એક્સક્લુઝિવ મુલાકાત આપી હતી. ETV ભારત સાથે વાતચીત કરતા રાજપક્સાએ કહ્યું કે, શ્રીલંકાને નવા બંધારણની જરૂર છે, જે 'બાહ્ય પરિબળો' નહિ, પરંતુ જનતાની આકાંક્ષાને સંતોષનારું હોય. ગયા અઠવાડિયે યોજાયેલી સંસદીય ચૂંટણીમાં રાજપક્સાને ભારે બહુમતી સાથે જીત મળી છે. ત્યારબાદ તેમના નાના ભાઈ અને દેશના પ્રમુખ ગોટાબાયા રાજપક્સાએ કોલંબોના કેલનિયા બૌદ્ધ મંદિરમાં તેમની શપથવિધિ કરી હતી.
નવેમ્બર 2019માં ગોટાબાયાએ લગભગ 52 ટકા મતો સાથે પ્રમુખપદની ચૂંટણી જીતી હતી, તેના નવ મહિના પછી શાસક પક્ષ શ્રીલંકા પોડૂજના પાર્ટી (SLPP)ના ઉમેદવાર તરીકે વડા પ્રધાન તરીકેની ચૂંટણી પણ જીતી ગયા. તેઓ કુરુનેગલા બેઠક પરથી જીત્યા અને તેમના પક્ષને 145 બેઠકો મળી. 225 બેઠકો ધરાવતી સંસદમાં બંધારણ બદલવા માટે પક્ષપાસે 150 મતો હોવા જોઈએ, તેમાં આ રીતે માત્ર પાંચ મતો ખૂટે છે.
બંધારણ બદલવાનું વચન પક્ષના ચૂંટણી ઢંઢેરાનું મુખ્ય વચન હતું. શું 19મો બંધારણીય સુધારો હવે તમારા માટે હટાવવો સહેલો બનશે તેવા પ્રશ્નના જવાબમાં રાજપક્સાએ કહ્યું કે, “સરકાર સારી રીતે અને કાર્યદક્ષ રીતે કામ કરી શકે તેની આડે 19મો બંધારણીય સુધારો આવી રહ્યો છે. તેના કારણે જ શ્રીલંકાની જનતાએ જોરદાર રીતે અગાઉની સરકારના શાસનને નકારી કાઢ્યું છે.”
દસ વર્ષ સત્તામાં રહ્યા પછી 2015ની ચૂંટણીમાં મહિન્દા વડા પ્રધાન બની શક્યા નહોતા. તે પછી વિપક્ષ યુનાઇટેડ નેશનલ પાર્ટી (UNP)ની સરકારે 19મો બંધારણીય સુધારો પસારક કર્યો હતો. મૈથરાપલ્લી સિરિસેના પ્રમુખ બન્યા હતા અને રાણિલ વિક્રમાસિંઘે વડા પ્રધાન બન્યા હતા. આ સુધારો પસાર કરીને પ્રમુખની સત્તાઓ પર કાપ મૂકવામાં આવ્યો હતો અને વડા પ્રધાન તથા સંસદને પણ પૂરતા અધિકારો આપવામાં આવ્યા હતા. તેની પાછળનો ઇરાદો સંસદીય પદ્ધતિના શાસન તરફ દેશને લઈ જવાનો હતો.
જોકે ETV ભારત સાથેની વિશેષ વાતચીતમાં રાજપક્સાએ તે સુધારાની ટીકા કરી અને કહ્યું કે, તેનાથી માત્ર ‘બાહ્ય પરિબળો’ના હિતો જ સચવાયા છે. “શ્રીલંકાને એવા બંધારણની જરૂર છે જે બાહ્ય પરિબળોને સાનુકૂળ ના હોય, પરંતુ જે દેશને અને જનતાની અપેક્ષાઓને સાનુકૂળ હોય. અમે સમાજના જુદા જુદા વર્ગો સાથે વાટાઘાટો કરીને બંધારણમાં પરિવર્તન લાવીશું.”
આ ચૂંટણીમાં સિરિસેના અને વિક્રમાસિંઘે બૂરી રીતે હારી ગયા છે. તેમના પક્ષને માત્ર 3 ટકા મતો મળ્યા છે. તેમના પક્ષમાંથી છુટ્ટા પડેલા સાજિથ પ્રેમદાસાનો પક્ષ સમાગી જના બલાવેગયા (SJB) મુખ્ય વિપક્ષ તરીકે ઉપસ્યો છે અને તેને 54 બેઠકો મળી છે. જોકે જાણકારો કહે છે કે મહિન્દાને પણ કદાચ પ્રમુખ ગોટાબાયાના હાથમાં વધારે સત્તા આવે તેવું નહિ ઇચ્છતા હોય. આવા સંજોગોમાં બંને ભાઈઓ વચ્ચે પણ વર્ચસ માટેની લડાઈ જાગી શકે છે અને સત્તા ડગમગી શકે છે.
કોલંબો બંદર પરના ભારત અને જાપાનના સહયોગથી બનનારા અને અગત્યના ઇસ્ટર્ન કન્ટેનર ટર્મિનલ (ECT) પ્રોજેક્ટનું શું થશે તે વિશેના સવાલના જવાબમાં પીએમ રાજપક્સાએ ટીપ્પણી કરવાનો ઇનકાર કરતાં કહ્યું કે, અત્યારે તેના વિશે કશું કહેવું વહેલું ગણાશે, કેમ કે હજી પ્રધાનમંડળની પણ રચના થઈ નથી.
-સ્મિતા શર્મા