કોલંબો: કેટલાક રાજકીય વિવેચકોના મતે, શ્રીલંકાની વર્તમાન વ્યવસ્થામાંથી ‘તાકાતની મજબૂત ભાવના’ ઝલકાય છે. એકંદરે શાંતિપ્રિય ગણાતા હિંદ મહાસાગરના આ ટાપુ દેશની ખાસ કરીને ત્યાં વસનારી મોટાભાગની સિંહાલા બૌદ્ધ બહુમતી પ્રજા માટે માટે આ “શક્તિશાળી રાજકારણ”ની અપીલ અસરકારકતા જાળવી રાખશે. પ્રમુખ અને વચગાળાના વડાપ્રધાન તરીકે શ્રીલંકા પિપલ્સ ફ્રન્ટ (એસએલપીપી)નું સુકાન સંભાળી રહેલા રાજપક્સા બંધુઓ માટે ઉપરોક્ત સ્થિતિ સાંપ્રદાયિક અપીલ બની રહી છે, જે ચૂંટણીમાં જીત અપાવનારી ફોર્મ્યુલા છે. અને આગામી પાંચમી ઓગસ્ટના રોજ શ્રીલંકા જ્યારે તેની નવી સંસદની ચૂંટણી કરશે, ત્યારે રાજપક્સા બંધુઓ આ તક જરૂર ઝડપી લેશે.
સરકાર તેની આ ‘મજબૂત’ ઇમેજને ફરી એક વખત પ્રસ્થાપિત કરવાની સાથે-સાથે મહામારી સંબંધિત મૃત્યુના અત્યંત ઓછા (11) દર સાથે કોવિડ-19ની સ્થિતિ નિયંત્રણ હેઠળ લાવનાર એકમાત્ર દક્ષિણ એશિયન દેશ તરીકે સ્વયંને પ્રસ્થાપિત કરવા માટે તેમજ વિશ્વના ઘણા ભાગો હજી પણ લોકડાઉનનો સામનો કરી રહ્યા છે, ત્યારે દેશવ્યાપી સંસદીય ચૂંટણીઓ હાથ ધરવા માટે સક્ષમ દેશ તરીકે ઊભરી આવવા ઉત્સુક છે.
“રાજકીય નેતૃત્વની આ ખરી કસોટી છે,” તેમ કોલમ્બો ડિસ્ટ્રિક્ટના એસએલપીપીના ઉમેદવાર વિમલ વીરાવંસાએ તાજેતરની એક જાહેર સભા દરમિયાન જણાવ્યું હતું. લોક લાગણી એવી છે કે, રાજાપક્સાએ યોગ્ય કામગીરી બજાવી છે.
પાંચમી ઓગસ્ટના રોજ આશરે 70 જેટલા રાજકીય પક્ષો, 313 સ્વતંત્ર જૂથો અને 7,452 ઉમેદવારોનું રાજકીય ભાવિ નિયત થશે.
ચૂંટણીના પ્રચાર કેમ્પેન દરમિયાન એસએલપીપીએ અન્ય કેટલાક વિશ્વાસુઓને પણ આગળ ધર્યા હતાઃ શક્તિશાળી રાજપક્સા બંધુઓ નેશનલ હીરો તરીકેની ખ્યાતિ ધરાવે છે, જેમણે લિબરેશન ટાઇગર્સ તમિલ ઇલમ (એલટીટીઇ) વિરૂદ્ધની લાંબા ગાળાથી ચાલી આવતી લડાઇનો અંત આણ્યો, દેશમાં શાંતિની ભાવના પ્રસ્થાપિત કરી, શ્રીલંકામાં (ચીન પાસેથી મોટાપાયે ધિરાણ મેળવીને) વિશાળ કદના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ હાથ ધર્યા, લઘુમતી મતો એકત્રિત કરવાની કાબેલિયત એ રાષ્ટ્રીય ચૂંટણીમાં સફળતા મેળવવા માટેની ચાવી છે – આ ભ્રમણાને દૂર કરી અને વર્તમાન સમયમાં જેની સૌથી વધુ જરૂર છે તે – કોવિડ-19ના આરોગ્યલક્ષી સંકટને કાબૂમાં લેવામાં સફળતા હાંસલ કરી.
આ બધી સિદ્ધિઓ ચૂંટણી દરમિયાન નોંધપાત્ર અપીલ ધરાવવા સક્ષમ હોવા છતાં, શ્રીલંકાના રાજકીય ક્ષેત્રના બે અત્યંત શક્તિશાળી બંધુઓ – તેજતર્રાર પ્રમુખ ગોટાબાયા રાજપક્સા અને તેમના મોટાભાઇ અને બે વખત પ્રમુખ રહી ચૂકેલા મહિંદા રાજપક્સા વચ્ચે એક મુદ્દા પર તાલમેળનો અભાવ જોવા મળે છે. સંસદીય સત્તા પ્રાપ્ત કરવાની તેમની સામૂહિક જરૂરિયાતથી આગળ, અને રાજપક્સા બંધુઓ એકજૂટ થઇને હરીફો સામે લડવા માટે જાણીતા છે – જે બાબત પણ સરેરાશ મતદાતાને અભિભૂત કર્યા વિના રહેતી નથી, પણ કારણ જરા જુદું છે. અને આ કારણ કેવળ ‘પાવર કોમ્બો’ જ જોઇ શકનારા મતદાતાઓની નજરમાં આવ્યું નથી.
બે તૃત્યાંશ બહુમતી
એક તો, પ્રમુખ ગોટાબાયા રાજપક્સાને બંધારણના 19મા સુધારામાં ફેરફાર કરવા માટે ગૃહમાં બે તૃત્યાંશ બહુમતીની જરૂર છે. આ સુધારો 2015માં તત્કાલિન પ્રમુખ મૈથીપાલ સિરિસેના અને વડાપ્રધાન રેનિલ વિક્રેમેસિંઘેના શાસનકાળ દરમિયાન કરવામાં આવ્યો હતો.
વર્તમાન પ્રમુખ સુધારા અગાઉની નીતિને પુનઃ સ્થાપિત કરવા માંગે છે, જેમાં 1978ના બંધારણ હેઠળ પ્રમુખને નિરંકુશ સત્તાઓ પ્રાપ્ત થતી હતી. જ્યારે 19મા સુધારા સાથે પ્રમુખની આ સત્તાઓ ઘટી ગઇ છે, અને તેની સામે વડાપ્રધાનની સત્તાઓ વધી ગઇ છે અને સ્વતંત્ર કમિશનો ઊભાં કરીને ચાવીરૂપ જાહેર સંસ્થાઓના બિન-રાજકીયકરણ (ડિપોલિટિટિસાઇઝેશન) માટેનો માર્ગ મોકળો થયો છે. અને સ્વયં-શિસ્ત પર ઊભા થયેલા સદાચારી સમાજની રચના કરવા માટે કટિબદ્ધ તેમજ આ વ્યવસ્થાના અમલ માટે જાહેર સેવાઓમાં લશ્કરી હોદ્દેદારોને સામેલ કરનાર અને તે પૈકીના ઘણા અધિકારીઓને ચાવીરૂપ જાહેર હોદ્દાઓ પર તૈનાત કરનારા પ્રમુખ માટે વર્તમાન બંધારણીય માળખું મોટી અડચણરૂપ છે.
વડાપ્રધાન મહિંદા રાજપક્સા માટે આ ચૂંટણી ખાસ ફેરફાર લાવનારી નથી. 19મા સુધારાએ વડાપ્રધાનને શક્તિશાળી સ્થિતિમાં લાવી દીધા છે અને અગાઉની માફક ઘણી ઓછી સત્તા કે વર્ચસ્વ સાથે સંસ્થાકીય પ્રતિનિધિ બનવાને બદલે કારોબારી અને કાયદાકીય પાંખ વચ્ચે વધુ સંતુલન સ્થાપ્યું છે. તેમની પોતાની વ્યક્તિગત લોકપ્રિયતા અને જાહેર ધિરાણ પરના નિયંત્રણની જરૂરિયાત અનુભવી રાજપક્સાને ચૂંટણી બાદ અલગ દિશામાં કામગીરી કરવા માટે પ્રેરે, તથા તેઓ સંસદને તેમના ઉદ્દેશ તરફ દોરે, તેવી શક્યતા રહેલી છે. જોકે, અત્યારે તો આગામી ચૂંટણી જીતવી એ તેમનું મુખ્ય લક્ષ્ય છે.
બે તૃત્યાંશ બહુમતી હાંસલ કરવાનું ધ્યેય અવાસ્તવિક જણાતું હોવા છતાં, આગામી પાંચમી ઓગસ્ટના રોજ યોજાનારી ચૂંટણીઓ નિર્ણાયક રીતે એકતરફી બની રહી છે, જેમાં એસએલપીપી બાજી મારી જાય, તેવી પ્રબળ શક્યતા છે. શાસક પક્ષ સરળતાથી વિજય પ્રાપ્ત કરશે અને મજબૂત નેતૃત્વ, માહિતી નિયંત્રણ, વ્યવસ્થિત રીતે પ્રસ્થાપિત થયેલું પ્રચાર તંત્ર તથા જાહેર સંસ્થાઓનું લશ્કરીકરણ – આ તમામ જીતવાની તકને વેગ આપતાં મુખ્ય પરિબળો છે. જાહેર સંસ્થાઓનું લશ્કરીકરણ એ શ્રીલંકન સમાજની અંદર જરૂરી શિસ્ત અને કાર્યક્ષમતા લાવવા માટેની પદ્ધતિ ગણવામાં આવે છે. સંસદની ચૂંટણીમાં મુખ્ય ઉમેદવાર એવા રાજપક્સા માટે બીજા મોટા આશીર્વાદ એ છે કે, વિરોધ પક્ષ અત્યંત વિભાજિત અવસ્થા ધરાવે છેઃ એક જ પક્ષ વિખેરાઇને બે પક્ષોમાં વહેંચાઇ ગયો છે, જેના કારણે વિરોધ પક્ષના મતો પણ વહેંચાઇ ગયા છે.