ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજ્યોની પીએમ મોદી પાસે માગણી: કોરોના સામે લડવા GST લેણાં તાકિદે ચૂકવો - રાજ્યોની પીએમ મોદી પાસે માગણી

ઈટીવી ભારતે ગુરુવારે ચાર વિપક્ષ શાસિત રાજ્યોના નેતાઓ સાથે વાતચીત કરી તેમણે દરેકે કહ્યું કે તાત્કાલિક GSTનું વળતર રાજ્યોને ચૂકવવું જરૂરી છે. પશ્ચિમ બંગાળ, કેરળ, પંજાબ અને આંધ્ર પ્રદેશના નેતાઓની એવી પણ માગણી છે કે રાજ્યોને FRBM Act હેઠળ રાજ્યોને GDPના 3% સુધીનું દેવું કરવાની છૂટ છે તે વધારવી જોઈએ.

modi
modi

By

Published : Apr 5, 2020, 12:29 AM IST

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે કોરોના સંકટના મુદ્દે વીડિયો કૉન્ફરન્સ કરી ત્યારે વિપક્ષ શાસિત ઘણા રાજ્યોએ માગણી કરી હતી કે તેમના GSTના બાકી લેણાં તાકિદે ચૂકવવામાં આવે અને રાજ્યોને મહામારીનો સામનો કરવા માટે વધારે દેવું કરવાની છૂટ આપવામાં આવે.


બીજા દેશોની જેમ અચાનક કેસોની સંખ્યામાં વધારો થઈ શકે છે તેને ધ્યાનમાં રાખીને અગાઉથી જ વધારે ટેસ્ટ કિટ્સ અને વેન્ટિલેટર્સની પણ માગણી કરવામાં આવી હતી. કેરળ અને પંજાબના નાણા પ્રધાનો તથા પશ્ચિમ બંગાળના અને આંધ્રના લોકસભા અને રાજ્યસભાના સાંસદો સાથે ઈટીવી ભારતે વાતચીત કરી હતી. બધા જ નેતાઓ એક સૂર હતો કે GSTનું વળતર રાજ્યોને ચૂકવવાનું થાય છે તે ઝડપથી આપવું જરૂરી છે. સાથે જ રાજ્યોની ધિરાણ લઈ શકવાની મર્યાદા વધારવી જોઈએ.


પંજાબના નાણા પ્રધાન મનપ્રીત બાદલે ત્યાં સુધી કહ્યું કે કેન્દ્ર સરકાર તેના બાકી નીકળતા 6000 કરોડ રૂપિયા ચૂકવી આપે તો પંજાબ એકલા હાથે Covid-19 રોગચાળાનો સામનો કરી શકશે. કેરળના નાણા પ્રધાન થોમસ આઇઝેક પણ GSTની વળતરની અને રાજ્યની ધિરાણ લેવાની મર્યાદા 27,000 કરોડ રૂપિયાની છે તે વધારવાની માગણી કરી હતી.


“કેન્દ્ર સરકાર GST વળતર અને એરિયર્સ ચૂકવી દે તો અમે એકલા હાથે કોરોનાનો સામનો કરી શકીએ છીએ,” એમ બાદલે ઈટીવી ભારતને જણાવ્યું હતું. કેરળના નાણા પ્રધાન આઇઝેકે ગયા વર્ષે નાણાં પ્રધાન નિર્મલા સિતારમણને પત્રો લખીની GSTની સમયસર ચૂકવણીની માગણી કરી હતી. કાયદાકીય જોગવાઈ છતાં કેન્દ્ર સરકાર GSTની ચૂકવણીમાં વિલંબ કરે છે તેની અને કોરોના સામેની લડાઈમાં રાજ્યોને સહાયના અભાવની આકરી ટીકા આઇઝેકે કરી હતી.


“તમને નવાઈ લાગશે કે કેન્દ્ર સરકારે NHM (નેશનલ હેલ્થ મિશન) હેઠળ રાજ્યોને હિસ્સો આપવાનો થાય છે તે સિવાય કશી મદદ રાજ્યોને કરી નથી,” એમ કેરળના નાણા પ્રધાને ઈટીવીની મુલાકાતમાં કહ્યું હતું.


મહેસૂલ આવક અટકી પડી છે અને સંકટના સમયે ખર્ચ વધ્યો છે ત્યારે “કેન્દ્રે કમસે કમ અમારા લેણાં છે તે તો ચૂકવી દેવા જોઈએ. હું કંઈ વધારે માગી રહ્યો નથી. માત્ર GSTનું વળતર ચૂકવી દે. આ તેમની ફરજ છે, તેઓ ચૂકી શકે નહિ,” એમ તેમણે કહ્યું હતું.
આવી જ વાત પશ્ચિમ બંગાળના શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદે જણાવી હતી. “અમારા મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ વિનંતી કરી છે કે GSTના 28,000 કરોડ રાજ્યના લેણાં નીકળે છે તે તથા કેટલીક કેન્દ્રીય યોજનાના નાણાં બાકી છે તે ચૂકવી આપવામાં આવે. બુલબુલ વાવાઝોડા વખતે અપાયેલા રાહત પેકેજના નાણાં પણ બાકી છે,” એમ નામ ના જણાવવાની વિનંતી સાથે ટીએમસીના સાંસદે ઈટીવીને જણાવ્યું હતું.


તેમણે વધુમાં જણાવ્યું કે “આ કાયદેસરની માગણીઓ છે, અમે કંઈ વધારાની માગણી નથી કરી રહ્યા. આ સંકટના સમયે કેન્દ્ર થોડી ચૂકવણી કરશે તો પશ્ચિમ બંગાળને કોરોના સામે લડવામાં સહાયરૂપ થશે.”જોકે કેન્દ્ર માત્ર GST વળતરની બાકી રકમ ચૂકવી રાજ્યોને ચૂકવી દે તેનાથી રાજ્યો કોરોના સામે લડત આપી શકશે તેવી વાત સાથે આંધ્ર પ્રદેશના યુવાન સાંસદ લેવુ શ્રીક્રિશ્ના દેવરાયાલુ સહમત થતા નથી. ઈટીવી ભારત સાથે વાતચીત કરતાં દેવરાયાલુએ કહ્યું કે “GSTના બાકી લેણાં કેન્દ્ર સરકારે આમ પણ આપવાના જ છે, પરંતુ મને નથી લાગતું તે પૂરતા હોય. ઉદ્યોગને બહાર કાઢવા માટે વ્યસ્થિત યોજના કરવી પડશે.”


લૉકડાઉનના કારણે રાજ્યોની મહેસૂલ બંધ થઈ છે. GSTના બાકી લેણાં માત્ર એક સમસ્યા છે. ઘણા રાજ્યોને પગારો અને પેન્શનની ચૂકવણીના ફાંફા પડી રહ્યા છે. પંજાબના નાણા પ્રધાન બાદલે કહ્યું કે આ મહિને પગારો ચૂકવી શકાશે, પણ આગામી મહિનાથી સમસ્યા થઈ શકે છે."એક પણ રૂપિયાની વેરાની આવક થઈ રહી નથી. પેટ્રોલ, ડિઝલ અને શરાબનો વિક્રય અટકી પડ્યો છે. મિલકતોના સોદા પણ નથી થતા એટલે સ્ટેમ્પ કે રજિસ્ટ્રેશનની આવક પણ બંધ છે. કોઈ જ આવક થઈ રહી નથી," એમ બાદલે ઈટીવી ભારતના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું.


કેરળના નાણા પ્રધાને પણ લાંબો સમય બંધ રહેવાથી મહેસૂલી આવકમાં ઘટાડાની અને પગારોની ચૂકવણીની ચિંતા વ્યક્ત કરી હતી. "એટલે જ રાજ્યો અત્યારે પગારો વગેરેમાં કાપ મૂકી રહ્યા છે. તમે ખરેખર કોરોના સામેની લડત માટે ગંભીર હો તો રાજ્યોને વધારે ભંડોળ આપો," એમ આઇઝેકે ઈટીવી ભારતને જણાવ્યું હતું.

રાજ્યોની નાણાકીય ખાધમાં છૂટછાટની માગ
કેરળ, પંજાબ, આંધ્ર અને પશ્ચિમ બંગાળના નેતાઓએ રાજ્યો માટે GDPના 3% જેટલી જ નાણાકીય ખાધની મર્યાદા FRBM Actમાં નક્કી કરાઈ છે તેમાં છૂટની માગણી કરી છે. હાલના મુશ્કેલ સમયમાં રાજ્યોને નાણાં ઊભા કરવા માટે તેમ કરવું જરૂરી બન્યું છે. લાંબો સમય લૉકડાઉન ચાલસે તો અર્થતંત્ર પડી ભાંગશે અને ઉદ્યોગોને રાજ્ય કક્ષાએ રાહતો આપવી પડશે.


કેરળ અને પશ્ચિમ બંગાળના નેતાઓએ કહ્યું કે હાલમાં નાણાકીય ખાધની મર્યાદા 3% છે તે વધારીને 5% કરવી જોઈએ પંજાબના નાણા પ્રધાન બાદલ કહે છે કે કેન્દ્રની જેમ રાજ્યોને નાણાકીય ખાધની મોકળાશ મળતી નથી કે તેની જેમ નોટો પણ છાપી શકતી નથી.
“રાજ્યોને વધારે દેવું કરવાની છૂટ હોવી જોઈએ. કેન્દ્રની નાણાકીય ખાધ 3%ના બદલે 4% ટકા જેટલી રહેવાની છે, તો રાજ્યોને શા માટે છૂટ ના મળે,” એવો સવાલ આઇઝેકે ઉઠાવ્યો હતો.


ટીએમસીના સાંસદે પણ કહ્યું કે મમતા બેનરજીએ કેન્દ્રને પત્ર લખીને નાણાકીય ખાધ 5% ટકા સુધીની કરવાની માગણી કરી છે. “અમે FRBM હેઠલ મૂકવામાં આવેલી 3%ની મર્યાદાને 5% કરવા કહ્યું છે, પણ કોઈ પ્રતિસાદ મળ્યો નથી,” એમ સાંસદે ઈટીવી ભારતને જણાવ્યું હતું.

વધુ ટેસ્ટિંગ કિટ અને વેન્ટિલેટર્સની માગણી
ઈટીવીએ જે રાજ્યોનો સંપર્ક કર્યો તેમાંથી ત્રણ રાજ્યોએ વધુ ટેસ્ટિંગ કિટ અને વેન્ટિલેટર્સની માગણી કરી હતી. કેરળના નાણા પ્રધાન થોમસ આઇઝેકે કહ્યું કે રાજ્યની ઇચ્છા છે કે રાજ્યના 10 લાખ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવે, પણ સરકાર પાસે પૂરતા પ્રમાણમાં ટેસ્ટિંગ કિટ્સ જ નથી.


“અમારી પાસે પૂરતા પ્રમાણે ટેસ્ટિંગ કિટ્સ નથી. અમારે વધારે જોઈએ છે. અમે 10 લાખનું ટેસ્ટિંગ કરવા માગીએ છીએ, પણ કિટ્સની અછત આડે આવે છે,” એમ તેમણે કહ્યું હતું.
આંધ્રના નરાસારાવપેટના સાંસદ દેવરાયાલુ કહે છે કે આંધ્ર પ્રદેશમાં પણ ટેસ્ટ કિટ્સ મળતી નથી અને મેડિકલ સ્ટાફ માટે પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ મળતા નથી.


“કેન્દ્રએ કઈ કિટ્સને માન્ય કરી છે તેની પણ અત્યારે સ્પષ્ટતા નથી, પણ પહેલાં તો વધારે કિટ્સ જોઈએ. બીજું કે મેડિકલ સ્ટાફને પ્રોટેક્ટિવ ગિયર અને વેન્ટિલેટરના સસ્તા વિકલ્પો આપો,” એમ તેમણે ઈટીવી ભારતને જણાવ્યું હતું.
પશ્ચિમ બંગાળના રાજ્ય સભાના સભ્યે પણ ટેસ્ટિંગ કિટ્સની અછત હોવાનું જણાવ્યું. “ટેસ્ટિંગ કિટ્સની અને ખાસ કરીને વેન્ટિલેટર્સની અછત છે. હાલમાં મૃત્યુઆંક ઓછો છે, પણ આગામી અઠવાડિયાઓમાં શું થશે કોઈ જાણતું નથી,” એમ તેમણે ઈટીવી ભારતને જણાવ્યું.
આઇઝેકની માગણી છે કે રાજ્યોને આરોગ્ય માટેની ફાળવણી કરવામાં આવે છે તે વધારવી જોઈએ. ઈટીવી ભારતે આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે "કેન્દ્રએ NHM (નેશનસ હેસ્થ મિશન) અપાતો હિસ્સો વધારવો જોઈએ અને રાજ્યોને વધુ નાણાં આપવા જોઈએ. દેશમાં આરોગ્યનું સંકટ આવ્યું હોય ત્યારે પહેલું કામ આરોગ્યની ફાળવણી વધારવાનું કરવાનું હોય, પણ તેમ કરવામાં આવ્યું નથી."


-કૃષ્ણાનંદ ત્રિપાઠી

ABOUT THE AUTHOR

...view details