એરિઝોના(અમેરિકા): યુનિવર્સિટિ ઓફ એરિઝોના દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા એક સંશોધન અનુસાર મ્હોં ઉપર પહેરવાના કેટલાંક માસ્ક અન્ય માસ્કની તુલનાએ ચેપ સામે વધુ સારું રક્ષણ કરી શકે છે.
હાલ જ્યારે સમગ્ર વિશ્વના દેશોની સરકારો લોકોને મ્હોં ઉપર નોન મેડિકલ સહિતના માસ્ક પહેરવા ઉપર ભાર મૂકી રહી છે એવા સમયે યુનિવર્સિટિ ઓફ એરિઝોનાના સંશોધકોએ નોન મેડિકલ માસ્કનું મટિરિયલ્સ કોવિડ-19ની સામે કેવી રીતે વ્યક્તિનું રક્ષણ કરી શકે છે તેની સમીક્ષા કરવા માસ્કની ક્ષમતા અને ટકાઉપણા વિશે હાથ ધરાયેલા વિવિધ સંશોધનોની માહિતી એકત્ર કરી હતી.
તેઓ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટ અનુસાર સંશોધકોએ કોરોના વાઇરસની હાજરી હોય એવા સ્થળે 20 મિનિટ 30 સેકન્ડ સુધી માસ્ક પહેરવાની અને કોઇપણ જાતનું રંક્ષણ નહીં ધારણ કરવાની એમ બે બાબતોની સરખામણી કરી હતી, તો તેમને જાણવા મળ્યું હતું કે ચેપ લાગવાનું જોખમ 24-94 ટકા અથવા તો 44-99 ટકા જેટલું ઘટી જાય છે, જો કે આ ટકાવારી માસ્ક કેવું છે અને કેટલા સમય સુધી વાઇરસની પાસે રહ્યા તેના ઉપર આધારિત છે.
આ સંશોધનમાં એમ પણ જાણવા મળ્યું હતું કે જો વાઇરસની પાસે વધુ સમય રહેવામાં આવે તો જોખમ પણ વધતું જાય છે. સંશોધનમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે એન-95 કેટેગરીના માસ્કની તુલનાએ એન-99 વધુ અસરકારક અને સારા હોય છે, તેમ છતાં આ બંને માસ્ક સરેરાશ 94 થી 99 ટકા જેટલું જોખમ ઘટાડી દે છે. જો કે એન-99 પ્રકારનુ માસ્ક વધુ મુશ્કેલ માલુમ પડતા સંશોધકોને ત્યારપછીનો સૌથી સારો વિકલ્પ સ્પષ્ટ રીતે એન-95 પ્રકારનું માસ્ક અને સર્જિકલ માસ્ક જણાયો હતો અને તેનાથી પણ વધુ સારો વિકલ્પ વેક્યુમ ક્લિનરનું ફિલ્ટર જણાયું હતું.
સંશોધનમાં જાણવા મળ્યું હતું કે જો વાઇરસની હાજરીમાં 30 સેકન્ડ ઉભા રહેવાનું હોય ત્યારે વેક્યુમ ક્લિનરનું ફિલ્ટર 83 ટકા જેટલું જોખમ ઘટાડી દે છે, અને જો 20 મિનિટ સુધી વાઇરસની હાજરીમાં રહેવાનું હોય તો 58 ટકા જોખમ ઘટાડી દે છે.
બિનપારંપારિક પસંદગી બાદ સંશોધકોને વાસણ લૂછવાના રૂમાલ, કોટન મિશ્રિત વસ્ત્ર, અને જીવાણુ પ્રતિરોધક ઓશીકાના કવર માસ્ક માટે બીજા નંબરના શ્રેષ્ઠ વિકલ્પ જણાયા હતા એમ સંશોધકોએ કહ્યું હતું.
જો કે સંસોધકોએ એવી પણ ચેતવણી આપી હતી કે સ્કાર્ફ અને કોટનનો ટી-શર્ટ બહુ અસરકારક નથી કેમ કે તેઓ 30 સેકન્ડ બાદ 44 ટકા અને 20 મિનિટ બાદ ફક્ત 24 ટકા જેટલું જ જોખમ ઘટાડી શકે છે, તેમ છતાં સંશોધકોએ એમ પણ કહ્યું હતું કે માસ્ક ન પહેરું તેના કરતાં કોટન ટી-શર્ટ અને સ્કાર્ફ પહેરવા ઘણી સારી બાબત છે.