કૌશલ્ય વિકાસ: લક્ષ્ય બહુ ઊંચું છે - Global economy
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ 2015માં કૌશલ્ય વિકાસ યોજનાની જાહેરાત કરી હતી. તેની પાછળનો હેતુ ભારતને કુશળ માનવ સંસાધનની રાજધાની બનાવવાનો હતો. તે વખતે પ્રધાનો અને સરકારી અધિકારીઓએ મોટા મોટા દાવા કર્યા હતા કે 24 લાખ લોકોને કૌશલ્ય વર્ધનની તાલીમ આપવામાં આવશે. તાલીમ માટે અંદાજે 1500 કરોડ રૂપિયાની યોજનાની વાતો થઈ હતી. 2016થી 2020 સુધીમાં બીજા તબક્કામાં આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ આપવાની અને તેના માટે 12,000 કરોડ રૂપિયા ખર્ચવાની વાત હતી.
ન્યૂઝ ડેસ્ક: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ 2015માં કૌશલ વિકાસ યોજનાની જાહેરાત કરી હતી. તેની પાછળનો હેતુ ભારતને કુશળ માનવ સંસાધનની રાજધાની બનાવવાનો હતો. તે વખતે પ્રધાનો અને સરકારી અધિકારીઓએ મોટા મોટા દાવા કર્યા હતા કે 24 લાખ લોકોને કૌશલ્ય વર્ધનની તાલીમ આપવામાં આવશે. તાલીમ માટે અંદાજે 1500 કરોડ રૂપિયાની યોજનાની વાતો થઈ હતી. 2016થી 2020 સુધીમાં બીજા તબક્કામાં આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ આપવાની અને તેના માટે 12,000 કરોડ રૂપિયા ખર્ચવાની વાત હતી.
તે વાતો જૂની થઈ અને હવે કૌશલ વિકાસ યોજનાની ત્રીજા તબક્કાની પણ શરૂઆત થઈ ચૂકી છે.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રથમ અને બીજા તબક્કામાં જે જાણકારી પ્રાપ્ત થઈ છે તેના આધારે ફેરફારો કરવામાં આવી રહ્યા છે. સાથે જ વર્તમાન સમયની, કોવીડ-19 મહામારીની સ્થિતિની જરૂરિયાત મુજબ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. પરંતુ સવાલ એ જ છે કે બે તબક્કાનો કાર્યક્રમ પૂર્ણ થયા પછી ખરેખર શું જાણકારી મળી છે.
હાલમાં જ એસોચેમની એક પરિષદમાં બોલતા કેન્દ્રના પ્રધાન રાજકુમાર સિંહે દાવો કર્યો કે કૌશલ વિકાસના પ્રથમ બે તબક્કામાં 90 લાખ લોકોને લાભ મળ્યો. તેમાંથી માત્ર 30-35 લાખ યુવાનોને રોજગારી મળી છે તે પ્રધાને જોકે કબૂલ્યું. જોકે જાણકારો એવું કહી રહ્યા છે કે ખરેખર તો માત્ર 72 લાખને તાલીમ કાર્યક્રમનો લાભ મળ્યો હતો અને તેમાંથી માત્ર 15 લાખને જ રોજગારી મળી છે. સત્તાવાર આંકડાં દર્શાવે છે કે આ યોજના પાછળ માત્ર 6000 કરોડ રૂપિયાનો જ ખર્ચ કરવામાં આવ્યો છે. આ રીતે ખ્યાલ આવી જાય છે કે સરકારી દાવા સામે બહુ ઓછું કામ થયું છે.
ત્રીજા તબક્કામાં તાલીમ કાર્યક્રમો 600 જિલ્લામાં ચલાવવામાં આવશે અને તેમાં 8 લાખ યુવાનોને તાલીમ આપવા માટે 948 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની વાત છે. આટલી ગતિએ કામ ચાલતું રહે તો ભારતના 40 કરોડ જેટલા કામદારોને ક્યારે કૌશલ્ય માટેની તાલીમ આપી શકાશે? સારદા પ્રસાદ કમિટીએ આ તાલીમ કાર્યક્રમની ગાઇડલાઈન અને તેના પરિણામો જાહેર કરવાની પદ્ધતિ સામે પણ સવાલો કર્યા છે. ખરેખર કુશળ માનવ સંસાધન તૈયાર કરવા માટે હજી ઘણું કરવું પડે તેમ છે.
અહીં એ નોંધવું રહ્યું કે જાપાનમાં માણસની સરેરાશ ઉંમર 48 વર્ષની, અમેરિકામાં 46 વર્ષની, યુરોપમાં 42ની અને ભારતમાં માત્ર 27 વર્ષની છે. ભારતની કુલ વસતિમાંથી 62 ટકા વસતિ 15થી 59ના વય જૂથમાં છે. આ રીતે ભારતમાં કામકાજ કરી શકે તેવી વસતિ મોટા પ્રમાણમાં છે તે સ્પષ્ટ થાય છે. દેશમાં આટલો વિશાળ માનવ સંસાધન હોવા છતાં કંપનીઓ બૂમરાણ કરતી હોય છે કે નોકરીએ રાખી શકાય તેવા કુશળ કામદારો જોઈએ તેટલા મળતા નથી.
બીજી બાજુ એવી વક્ર સ્થિતિ છે કે પીએચ. ડી. અને માસ્ટર્સની ડિગ્રી ધરાવનારા યુવાનો બેકાર બેઠા છે અને સામાન્ય નોકરી માટે લાઈનમાં ઊભા રહી જાય છે. આ રીતે ભણતર અને ડિગ્રી પાછળ ખોટો વ્યય થાય છે તે અટકાવવા માટે યોગ્ય આયોજન કરવાની જરૂર છે. કૌશલ્ય વર્ધન માટેની યોજનાને લાગુ કર્યાના ચાર વર્ષ પછી પ્રધાને કહ્યું કે કૌશલ્યની તાલીમ લેનારાને અલગ ડિગ્રી આપવી જોઈએ. તેના માટે અલગ શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરવાની વાતો થઈ રહી છે. વાતો થઈ રહી છે તે પણ તે દિશામાં કોઈ નક્કર કાર્ય થઈ રહ્યું નથી.
કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં અર્થતંત્રને ફટકો માર્યો છે અને યુવાનો સામે બેરોજગારીનો પ્રશ્ન ઊભો થયો છે. સામી બાજુએ ઉદ્યોગો અને વેપાર તથા સર્વિસ સેક્ટરમાં યોગ્ય કુશળ યુવા કામદાર વર્ગની તંગી દેખાતી રહે છે. આગામી દાયકામાં દરેક પ્રકારની કામગીરીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની બોલબાલા વધવાની છે. તેના કારણે નોકરી અને કામના પ્રકારો પણ બદલાઈ જવાના છે. લોકોની જીવશૈલીમાં પણ મોટા પરિવર્તન આવવાના છે.
આ બધા પરિવર્તનોને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમમાં અત્યારથી ફેરફારો કરવા પડે, જેથી યુવાનો બદલાતા પ્રવાહ સાથે તાલમેલ બેસાડી શકે. તેને ધ્યાનમાં રાખીને શિક્ષકોની પસંદગી થવી જોઈએ અને તેમને આપવાની તાલીમ પદ્ધતિ નક્કી થવી જોઈએ. શિક્ષકોની પસંદગી માટે અને તેમના માટેની તાલીમ નક્કી કરવા માટેની સ્વતંત્ર પદ્ધતિ અત્યારથી જ અમલમાં મૂકવી જોઈએ, જેથી પડકારને પહોંચી શકાય.
ઉદ્યોગોએ પોતાના સ્ટાફને કુશળ બનાવવા માટે તાલીમ પાછળ સ્રોતોનો ઉપયોગ કરવો પડે છે. શિક્ષણને વધારે ઉપયોગી બનાવવું જોઈએ, જેથી ઉદ્યોગોને કેમ્પસમાંથી જ સારા ઉમેદવારો પસંદ કરવાની તક મળી રહે. લાખો યુવાનોના કૌશલ્ય વર્ધન પર ધ્યાન આપીને રાજમાર્ગ તૈયાર કરવો જોઈએ, જેથન નવી પેઢીનું વ્યવસાયી જીવન પણ ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધે.