સિનિયર પત્રકાર સ્મિતા શર્મ સાથે વિશેષ વાતચીતમાં તેમણે કહ્યું કે તાકિદની જરૂર સરહદે રાબેતા મુજબની સ્થિતિ લાવવાની હોવી જોઈએ. તે માટે ટોચની કક્ષાએથી સ્પષ્ટ રાજકીય સુચના મળવી જોઈએ. જોકે અશોક કાંથા માને છે અત્યારે વડા પ્રધાન મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે વાતચીતનો યોગ્ય સમય નથી. પરંતુ રાજદ્વારી ઉચ્ચ કક્ષાએ વાતચીત થવી જોઈએ, કેમ કે સૈન્ય અધિકારીઓ વચ્ચેની વાતચીત ઉપયોગી હોય છે, પણ પૂરતી હોતી નથી. તેમણે ઉમેર્યું કે ચીન ઇરાદાપૂર્વક છેલ્લા 18 વર્ષોથી સરહદી મામલાને ગૂંચવે છે, જેથી ભારત સામે તેનો ઉપયોગ થઈ શકે. તેમની સાથેની વાતચીતના અંશોઃ
સવાલઃ દાયકાઓ સુધી શાંતિ રહ્યા પછી શું હિંસક ઘર્ષણ પછી ચીન સાથેની વાસ્તવિક અંકુશ રેખા (LAC) કાયમ માટે બદલાઈ ગઈ છે ખરી?
બહુ કમનસીબ બનાવ બન્યો છે. છેલ્લા 45 વર્ષથી સરહદની આંકણી વિશે વિખવાદ હોવા છતાં LAC પર શાંતિ જાળવી રાખવા માટે ભારત અને ચીન બંને પ્રયત્નશીલ રહ્યા છે. 1975 પછી ક્યારેય બેમાંથી એકેય દેશના સૈનિકોએ જાન ગુમાવ્યા નહોતા. તે વાત હવે જૂની થઈ ગઈ. હવે બહુ ગંભીર બનેલી વર્તમાન સ્થિતિમાંથી આગળ કેવી રીતે વધી શકાય તે જ જોવાનું રહે છે. વર્તમાન સ્થિતિને ગંભીરતાને આપણે ઓછી આંકવી જોઈએ નહિ અને ઉગ્રતા વધે નહિ તે માટે પ્રયાસો કરવા જોઈએ. મામલો ઉગ્ર નહિ બને તેને નકારી શકાય નહિ. સામસામે દળો આવી જાય ત્યારે હંમેશા ઘર્ષણ થવાની શક્યતા હોય જ છે અને એવું જ સોમવારે સાંજે થયું છે. તેથી બંને દેશોમાંથી રાજકીય સ્તરેથી સ્પષ્ટ સૂચના મળવી જરૂરી છે કે સ્થિતિને વધુ વકરવા દેવામાં ના આવે. તે પછી સ્થિતિને ફરી આપણે નિયંત્રણમાં લાવી દેવી જોઈએ.
સવાલઃ સરહદ પર ગોઠવાયેલા સૈનિકોની લાગણી ઘવાયેલી છે, ક્રોધ વ્યાપ્યો છે ત્યારે ઉગ્રતા ઓછી કરવાની પ્રક્રિયા એટલી સહેલી નથી. તેથી બીજી જગ્યાએ પણ ઉગ્રતા જાગે અને ઘર્ષણ થાય તેવી શક્યતા રહેલી જ છે?
LAC પર અન્યત્ર પણ ઘર્ષણ સર્જાય તે વાતને હું નકારતો નથી. જોકે ઘર્ષણ થાય તેના કારણે સરહદો સળગી ઉઠે તેવું બેમાંથી એક પણ પક્ષ નહિ ઇચ્છતો હોય તેમ હું માનું છું. હકીકતમાં ચીન અને ભારતે સરહદે સ્થિતિ સામાન્ય રાખવા માટે ઘણા પ્રયાસો કરેલા છે. આપણે સરહદ પર CBMs (કૉન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર્સ) અને SOPs (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) પર ઘણું ધ્યાન આપીએ છીએ. આ કિસ્સામાં આ પગલાં ઉપયોગી નથી થયા તે જુદી વાત છે. તેથી આપણે વિશ્લેષણ કરીને અન્ય કેટલાંક પગલાં લેવાં જોઈએ. સરહદે સ્પષ્ટ મેસેજ જવો જોઈએ કે સ્થિતિને વધારે ઉગ્ર બનાવવાની નથી.
દરમિયાન સ્થિતિને થાળે પાડવાની પ્રક્રિયા ચાલતી રહેવી જોઈએ અને યથાવત સ્થિતિ લાવવી જોઈએ. એપ્રિલમાં ચીને આગળ વધીને સ્થિતિ ઊભી કરી છે તે સ્થિતિને આપણે ચલાવી લઈ શકીએ નહિ. એપ્રિલ પહેલાં જે સ્થિતિ હતી તે ફરીથી લાવવી પડે. તે પછ આપણે SOPs પર વિચારવા કરવાનો રહ્યો કે ક્યાં તેમાં ખામી રહી ગઈ છે. શું ભૂલ થઈ અને તેને કેવી રીતે સુધારી શકાય.
LAC ક્યાં આવેલી છે તે વિશે ઘણી અસ્પષ્ટતા છે ત્યારે વર્તમાન સ્થિતિને આપણે ચલાવી લઈ શકીએ નહિ. આ બાબતમાં આપણી વચ્ચે સત્તાવાર સમજૂતિ થયેલી છે. નકશાઓની આપલે કરવાનું આપણે સ્વીકાર્યું હતું અને વધારે સ્વીકાર્ય સરહદ આંકણી તરફ આગળ વધવાનું હતું.
ચીન આ પ્રક્રિયાને છેલ્લા 18 વર્ષથી ગૂંચવી રહ્યું છે. તેને ચેતવણી સમજીને આપણે તે પ્રક્રિયાને ફરી શરૂ કરવી જોઈએ. શું સરહદે આવી સમસ્યા સાથે લાંબો સમય આપણે ચલાવી લઈ શકીએ ખરા? બંને દેશોના વિશેષ પ્રતિનિધિઓને 2003માં કામ સોંપાયું હતું કે સરહદી સમસ્યાનો કોઈ રાજકીય માર્ગ કાઢવો. 2005માં બંને વચ્ચે થોડી વાત આગળ પણ વધી અને આપણે સરહદ સમસ્યાના ઉકેલના કેવા સિદ્ધાંતો હશે તે વિશે સહમત થઈ શક્યા હતા. પરંતુ તે પછી વાત આગળ વધી નથી. બંને પ્રતિનિધિઓએ મૂળ મેન્ડેટ જોવો જોઈએ. આ સમસ્યા એવી નથી કે કાયમ માટે ખોરંભે ચડાવી દઈએ. તેવું થશે તો ગલવાન ખીણમાં થયું તેવી કિંમત આપણે ચૂકવવી પડશે.
સવાલઃ હાલમાં જે વ્યવસ્થા કરાઈ છે અને સરહદે પ્રોટોકોલ નક્કી થયા છે તે હવે ચાલે તેમ નથી?
આ SOPs અને CBMs સાવ બિનઉપયોગી છે એવું પણ નથી. તેમાંથી કેટલાક નિયમો નક્કી કરવામાં હું પણ હતો. તે ખૂબ સારી રીતે તૈયાર થયેલા છે. તેનું યોગ્ય અમલીકરણ નથી થઈ રહ્યું. તેના કારણે આ પ્રક્રિયાને સાવ ફગાવી દઈએ તેવું પણ જરૂરી નથી. આપણે જે CBMs નક્કી કરેલા છે તેને બંને પક્ષોએ ચૂસ્તી સાથે પાલન કરવું જોઈએ. આપણે જે LAC નક્કી કરેલી છે તેને વળગી રહેવું જોઈએ.
સવાલઃ મોટી સંખ્યામાં જાનહાની થઈ છે ત્યારે તમને લાગે છે કે અત્યારે પીએમ મોદી અને પ્રમુખ જિનપિંગ વચ્ચે વાતચીત થવી જોઈએ?