નવી દિલ્હી: ગત કેટલાક સમયથી કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ સાથેના મતભેદને કારણે ચર્ચામાં રહ્યાં છે. જોકે, આ દરમિયાન સિદ્ધુની કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને મહાસચિવ પ્રિયંકા વાડ્રા સાથેની મુલાકાતની ખબર પણ સામે આવી છે.
મળતી માહિતી મુજબ, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ 25 ફેબ્રુઆરી 2020ના રોજ તેમના નિવાસ સ્થાને નવજોત સિંહ સિદ્ધુ સાથે 40 મિનિટ સુધી મુલાકાત કરી હતી. બીજા દિવસે (26 ફેબ્રુઆરીએ) 10 જનપથ ખાતે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે સિદ્ધુએ એક કલાકથી વધુ સમય સુધી મુલાકાત કરી હતી.
આ બેઠકની પુષ્ટિ ખુદ નવજોત સિંહ સિદ્ધુએ કરી હતી. સિદ્ધુ દ્વારા જારી કરાાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, 'બંને નેતાઓએ ખૂબ ધીરજથી મારી વાત સાંભળી. મેં તેમને પંજાબની વર્તમાન સ્થિતિથી માહિતગાર કર્યા હતા. ઉપરાંત પંજાબના પુનરુત્થાન અને આત્મનિર્ભરતા માટેનો રોડમેપ શેર કર્યો હતો. જેનું પાલન કરીને પંજાબનું ગૌરવ સ્થાપિત કરી શકાય'.
આપને જણાવી દઈએ કે, પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ સાથેના મતભેદોને કારણે નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કેબિનેટમાંથી 2019માં રાજીનામું આપ્યું હતું. સ્ટાર પ્રચારક હોવા છતાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સિદ્ધુએ પ્રચાર કર્યો નહતો. હાલના દિવસોમાં સિદ્ધુ કોંગ્રેસ છોડીને આપમાં જોડાશે તેવી અટકળોએ પણ જોર પકડ્યું હતું. જોકે, આ મુલાકાત બાદ સિદ્ધુના કોંગ્રેસ છોડવાની અફવાઓ પર પૂર્ણવિરામ લાગી ગયું છે.