ગરીબી રેખા નીચે જીવતા 30 કરોડ લોકોને આરોગ્યની સુવિધા આપવાનો બોજ વધી રહ્યો છે. સૌથી ચિંતાની વાત એ છે કે, આરોગ્ય સેવાની ગુણવત્તાની બાબતમાં ભારત 117 દેશોમાં 102મા સ્થાને આવે છે. આ બાબતમાં ચીન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ભૂતાન જેવા પડોશી દેશો પણ આપણા કરતાં આગળ છે. ટીબી, હૃદય રોગ, કેન્સર અને કિડનીની બીમારીમાં સારી સારવાર આપવાની બાબતમાં ભારત પાછળ પડી રહ્યું છે. આંચકાજનક વાત એ છે કે, ભૂખમરાનો સામનો કરી રહેલા ટોચના 45 દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે.
એક સર્વેના તારણ અનુસાર ખોરાકની તંગીને કારણે દેશમાં બાળકો હોવા જોઈએ તેના કરતાં 21 ટકા ઓછું વજન ધરાવતા હોય છે. ઘણા બધા કારણોસર દેશના ફક્ત 27 ટકા લોકો પાસે જ આરોગ્ય વીમો હોય છે. તેનું મુખ્ય કારણ એ છે કે, વીમા કંપનીઓ ગરીબ અને ગ્રામવાસીઓને ઓછા પ્રિમિયમ સાથે સેવા આપવા માટે તૈયાર હોતી નથી. બીજું કારણ છે આરોગ્ય વીમા અને તેના ફાયદા વિશે લોકોમાં જાગૃતિનો અભાવ. સરકારની મોટા ભાગની આરોગ્ય યોજનાઓ લોકોની જરૂરિયાત પૂરી કરનારી નથી. ભંડોળની ઓછી ફાળવણી અને પાયાના સ્તરે સુવિધાઓના અભાવને કારણે આરોગ્યની સમસ્યાઓ ઊભી થઈ છે.
કેન્દ્ર સરકારે વર્ષ 2017માં રાષ્ટ્રીય આરોગ્ય યોજનાની જાહેરાત કરી હતી. ગયા વર્ષે 23 સપ્ટેમ્બરે આયુષ્યમાન ભારતની શરૂઆત કરવામાં આવી હતી. દરેક પરિવારને પાંચ લાખ સુધીની સારવાર માટે આરોગ્ય વીમો આપવા માટેનું લક્ષ્ય છે.
દેશભરમાં 50 કરોડ લોકોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જોકે લક્ષ્ય હાંસલ કરવામાં યોજના નિષ્ફળ ગઈ છે તેવી છાપ ઊભી થઈ છે. લોકોએ પોતાની આવકના 20થી 60 ટકા દવાઓ પાછળ ખર્ચવી પડતી હોવાથી બે છેડા ભેગા કરવા મુશ્કેલ બને છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રો ખોલ્યા છે. આવા 5000 કેન્દ્રો ખોલવામાં આવ્યા છે, જેથી રાહત દરે લોકોને દવાઓ મળી રહે. વર્ષ 2020 સુધીમાં બીજા 2500 જન ઔષધી કેન્દ્રો ખોલવાની યોજના છે.