શિવસેનાએ તેના મુખપત્ર 'સામના'ના સંપાદકીય લેખમાં મુનગંટીવારના 'ધમકીભર્યા નિવેદન' ને 'ગેરબંધારણીય' તેમજ લોકતંત્રની વિરુદ્વ ગણાવ્યો છે. તેમણે ભાજપની તુલના 'મુગલો' સાથે કરી હતી.
શિવસેનાએ કહ્યું હતું કે,'ભાજપ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ધમકી ન આપે. અમે કાયદો, બંધારણ અને સંસદીય પરંપરાઓથી અવગત છીએ. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ બંધારણીય સંસ્થાન છે. તે કોઈના ખિસ્સામાં નથી'
લેખમાં એવો ઉલ્લેખ કરાયો છે કે, ' બંધારણ કોઈનું ગુલામ નથી. ભાજપ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે નિષ્ફળ રહી જેથી મુગલ શાસકોની જેમ રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ધમકી આપે છે. જનતા પણ જાણે છે કે હાલની સ્થિતિ માટે અમે જવાબદાર નથી.'
આ સાથે શિવસેનાએ મુનગંટીવારના આ નિવેદન અંગે કહ્યું હતું કે આવી વાત તેમની ગંદી માનસિકતા બતાવે છે.
મુનગંટીવારે શુક્રવારે નિવેદન આપ્યુ હતું કે, જો 7 નવેમ્બર સુધીમાં સરકાર નહીં બને તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે. કારણ કે, વર્તમાન સરકારનો કાર્યકાળ 8 નવેમ્બરે પુરો થાય છે.