લખનઉ: ડિસેમ્બરમાં કોર્ટે દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવેલા ભાજપના MLA કુલદીપ સેંગરને ઉતર પ્રદેશ વિધાનસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યાં છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા દ્વારા બહાર પાડેલા જાહેરનામામાં 20 ડિસેમ્બર 2019થી ભાજપ ધારાસભ્ય સેંગરને ગેરલાયક માનવામાં આવ્યાં છે. આ તકે ઉન્નાવ જિલ્લાની બાંગારમાઉ બેઠકને ખાલી જાહેર કરવામાં આવી છે.
ઉન્નાન જિલ્લાના બાંગારમાઉ બેઠક પરથી ચાર ટર્મ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કુલદીપ સેંગર દુષ્કર્મ કેસના આરોપી છે. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ન ધરતા એપ્રિલ, 2017ના રોજ મુખ્યપ્રધાનના નિવાસ સ્થાને એક યુવતીએ આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં મહત્વના સાક્ષી રહેલા યુવતીના પિતાને પોલીસે કસ્ટડીમાં લીધા હતાં. જે દરમિયાન તેણીના પિતાનું પોલીસ કસ્ટડીમાં જ મોત નિપજ્યુ હતું. જેના પગલે આ કેસમાં ધારાસભ્ય સહિતનાની ધરપકડ કરવામાં આવી હતી.