ન્યૂઝ ડેસ્ક : કોવિડના કેસોનો નિરંકુશ પ્રસાર. વિશ્વભરમાં લગભગ ત્રણ કરોડ કેસો અને ભારતમાં આશરે પચાસ લાખ કેસો આ મહામારીના ગંભીર વ્યાપ તરફ ઇશારો કરે છે. સમગ્ર માનવ સમુદાય જુદા-જુદા દેશોમાં યોગ્ય રસી માટે ચાલી રહેલા 140 કરતાં વધુ પ્રયોગોની સફળતાની કાગડોળે રાહ જોઇ રહ્યો છે. બે તબક્કા સુપેરે પાર કરી ચૂકેલી ઓક્સફર્ડ વેક્સિનની પ્રક્રિયાએ તેના અતિ મહત્વના ત્રીજા તબક્કાના પ્રયોગમાં અપેક્ષિત અવરોધનો સામનો કરવો પડ્યો છે.
બ્રિટનની અગ્રણી દવા ઉત્પાદક કંપની એસ્ટ્રાઝિનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ત્રીજા તબક્કાના પ્રયોગો સ્થગિત કરી દીધા છે, કારણ કે વેક્સિન લેનાર વોલન્ટીયરને ન્યૂરોલોજીકલ તકલીફ સર્જાઇ હતી. એક સ્વતંત્ર સુરક્ષા અને સમીક્ષા સમિતિ દ્વારા તત્કાળ અવલોકન કરાયા બાદ તેમણે પ્રયોગો પુનઃ શરૂ કર્યા હતા. રસીની સફળતા સંશોધનની સફળતા પર અવલંબે છે, જે વિવિધ તબક્કે સઘનપણે હાથ ધરાય છે અને સંશોધનના પ્રત્યેક તબક્કે રસી સફળ પુરવાર થવી જોઇએ. વર્ષોથી ઘણા વિજ્ઞાનીઓ ચેતવણી ઉચ્ચારતા આવ્યા છે કે, વાઇરસ સાથે સાથે સંકળાયેલી ઘણી જટિલતાઓને ધ્યાનમાં લેતાં, કોરોનાને મ્હાત આપે તેવી અસરકારક રસી વિકસાવવી સરળ નથી.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આક્ષેપ કર્યો છે કે, ચીન તેમના દેશની વેક્સિનનું ઉત્પાદન કરતી લેબોરેટરીઝને હેક કરી રહ્યું છે, ચીને ઉતાવળે જાહેરાત કરી છે કે, પૂર્ણ મંજૂરી મળે, તે પહેલાં હેલ્થ વર્કર્સને રસી આપી શકાય છે અને રશિયામાં ત્રીજા તબક્કાના ઉલ્લેખ વિના સામૂહિક રસીકરણ માટેની તૈયારી. આ તમામ ઘટનાઓ જીવન-બચાવનારી દવાની શોધ વિશે ઘણી શંકા-કુશંકાઓ જન્માવી રહી છે. વિજ્ઞાનીઓ કહે છે કે, ત્રીજા તબક્કાનું પરીક્ષણ સફળતાપૂર્વક પાર પડે, ત્યાર બાદ રસીને જનતાના વપરાશ માટે લાવવાની પ્રક્રિયા પૂરી કરતાં 12થી 18 મહિનાનો સમય નીકળી જશે. ચાલુ વર્ષના અંત સુધીમાં અથવા તો આવતા વર્ષના પ્રારંભ સુધીમાં તમામ લોકો માટે રસી ઉપલબ્ધ કરાવવાનો ઉદ્દેશ ધરાવતી એસ્ટ્રોજિને આ ખાતરી આપવામાં ઊતાવળ કરી હોય, તેમ જણાય છે.
સાઇઠના દાયકામાં ટોન્સિલાઇટિસની સારવાર કરવા માટેની રસીને ચાર વર્ષોના સઘન પરીક્ષણ બાદ આખરી મંજૂરી મળી હતી. અન્ય વિવિધ રસીઓની તુલનામાં, આ મંજૂરી ઘણા ટૂંકા સમયમાં મળી હતી. એચઆઇવીને નિયંત્રિત કરવાનો હેતુ ધરાવતી રસીનાં ત્રીજા તબક્કાનાં પરીક્ષણો ત્રણ દાયકા કરતાં વધુ સમયથી હજી પણ ચાલી રહ્યાં છે. આ તથ્યોથી વાકેફ હોવા છતાં આઇસીએમઆરએ ભારતીય રસી માટે 15મી ઓગસ્ટની બિન-વાસ્તવવાદી સમય-મર્યાદા નક્કી કરી હતી અને વ્યાપક ટીકાનું પાત્ર બની હતી. પછીથી તેણે તેનું નિવેદન બદલતાં જણાવ્યું હતું કે, વિવિધ તબક્કાઓ ઝડપથી પૂરા કરવાના પ્રયાસમાં તેણે ઊતાવળ કરી નાખી હતી. અસરકારક રસી તૈયાર કરવામાં પ્રત્યેક તબક્કે અત્યંત તકેદારી રાખવી પડે છે.
અમેરિકાએ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન યલો ફિવર રસી વિકસાવી હતી, જે અકસ્માતે હિપેટાઇટિસ-બીથી દૂષિત થઇ જતાં ઘણાં સૈનિકો ગંભીર રીતે બિમાર થઇ ગયા હતા અને ઘણા મોતને ભેટ્યા હતા. પોલિયોની રસીનાં પરીક્ષણોના પ્રારંભિક દિવસોમાં, બેપરવાઇને કારણે હજ્જારો લોકો વાઇરસથી સંક્રમિત થયા હતા. 'BITS- Pilani'ના અંદાજ અનુસાર, ભારતમાં ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધીમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 70 લાખને પાર પહોંચી જશે, જે એક ગંભીર સંકટ બની રહ્યું છે. અભ્યાસો દર્શાવે છે કે, કોરોનાથી સંક્રમિત લાખો એસિમ્પ્ટોમેટિક (લક્ષણો ન દેખાતાં હોય તેવા) દર્દીઓમાં એન્ટિબોડીઝ વિકસ્યા છે. વિશ્વના ઘણા દેશો આ વાઇરસ જરા પણ વિરામ લીધા વિના પુનઃ હુમલો કરશે, તેવો ભય સેવી રહ્યા છે. આ તબક્કે, સંસ્થાઓ અને સરકારો રસીની અસરકારકતામાં સંપૂર્ણ વિશ્વાસ ન બેસે, ત્યાં સુધી સંયમ અને નિયંત્રણનાં પગલાં જારી રાખે, તે શ્રેષ્ઠ છે. આ સમયે જો વિષહર ઔષધ (મારક)ના નામે પ્રયોગ નિષ્ફળ જાય, તો સમસ્યાઓ અને નુકસાનને જીરવવાનું ધૈર્ય અને સહનશીલતા માનવજાતિ પાસે નથી, તે એક કપરી વાસ્તવિકતા છે.