હૈદરાબાદ: ચીનના વુહાનમાં જેનાં મંડાણ થયાં અને જેણે આખી દુનિયાને પોતાની ઝપેટમાં લઇ લીધી, તે કોરોનાવાઇરસની મહામારીથી ઉગરવા માટે વિશ્વને અત્યારે કોરોનાની રસીની તાતી જરૂર છે.
તેને પગલે નૈતિક દ્રષ્ટિએ એક જટિલ દરખાસ્ત વેગ પકડી રહી છે કે, વોલન્ટીયર્સને એક પ્રયોગાત્મક રસી આપવી અને પછી તેમને હેતુપૂર્વક ચેપ લગાવવાનો પ્રયત્ન કરવો.
જોકે, વિજ્ઞાનીઓ એવી ચેતવણી આપે છે કે, વોલન્ટીયર્સને ઇરાદાપૂર્વક ચેપગ્રસ્ત કરીને વેક્સીનનું સ્પીડ ટેસ્ટિંગ કરવાની પ્રક્રિયા ઘણી જ ધીમી હોઇ શકે છે અને આમ કરવામાં ઓછામાં ઓછો એક વર્ષનો સમય લાગી શકે છે.
વેક્સિન ક્ષેત્રે અગ્રેસર પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના સ્ટેનલી પ્લોટકિન જણાવે છે કે, કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવેલી “માનવ પડકાર” (હ્યુમન ચેલેન્જ) ટ્રાયલ અત્યંત ઝડપથી વેક્સીનના મૂલ્યનો સ્પષ્ટ પુરાવો આપી શકે છે.
"જે લોકો આ પ્રકારની ભયંકર સમસ્યાનો સામનો કરતા હોય, તેઓ અસામાન્ય પગલાંનો વિકલ્પ અપનાવશે અને આપણે આપણા પૂર્વગ્રહો વિશે સતત ફેરવિચારણા કરવી પડશે," તેમ પ્લોટકિને કહ્યું હતું.
કોરોનાવાઇરસના ચેલેન્જ અભ્યાસો હાથ ધરવા માટેની સમાન પ્રકારની દરખાસ્ત જર્નલ ઓફ ઇન્ફેક્શિયસ ડિસીઝમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
હ્યુમન ચેલેન્જના અભ્યાસો બે સૈકાથી થતા આવ્યા છે અને અન્ય ચેપી બિમારીઓ માટે કેટલાક અભ્યાસો આજની તારીખે પણ હાથ ધરાય છે.
ઇ.સ. 1796માં એવર્ડ જેનરે આઠ વર્ષના છોકરાને કાઉપોક્સ આપીને તેને શીતળાના ઘાતક વાઇરસથી બચાવી લઇને રસીની અસરકારકતા સાબિત કરી હતી. જોકે, આ વલણે ચિંતા જન્માવી છે.
આજે, આવા પ્રયોગોએ આકરી નૈતિક સમીક્ષામાંથી પસાર થવું પડતું હોય છે અને આવા પ્રયોગો કરનારા સંશોધકો નવા કોરોનાવાઇરસ માટે હ્યુમન ચેલેન્જ પર અખતરો કરવા રાજી નથી.
ઇન્ફ્લુએન્ઝાના હ્યુમન ચેલેન્જ અભ્યાસો કરનારા અમેરિકન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝિસના ઇમ્યુનોલોજિસ્ટ મેથ્યૂ મેમોલીનું માનવું છે કે, કોવિડ-19 બિમારી અત્યંત નવતર પ્રકારની હોવાથી આ વાઇરસને કારણે લોકો કેટલી વખત ગંભીરપણે બિમાર પડશે કે પછી આ બિમારીથી તેમને લાંબા ગાળાની સમસ્યાઓ રહી જશે કે કેમ, તે અંગે અસ્પષ્ટતા પ્રવર્તે છે.
“જ્યારે તમે કોઇને હેતુપૂર્વક વિરસ આપી રહ્યા છો, ત્યારે તમે વાસ્તવમાં તે બિમારી વિશે સમજૂતી મેળવવા માંગો છો, જેથી તમે એ જાણો છો કે તમે જે કરી રહ્યા છો, તે એક જોખમી કાર્ય છે,” તેમ મેમોલીએ જણાવ્યું હતું.