લોસ એન્જેલસ (અમેરિકા):સંશોધકોએ દર્શાવ્યું છે કે, કોરોનાવાઇરસ તેના ટાર્ગેટ સેલ્સના પ્રોટિનને હાઇજેક કરે છે, સંભવિતપણે તેના કારણે તેઓ નજીકના કોશો સુધી પહોંચવા માટે લાંબું, હાથ જેવું એક્સટેન્શન રચે છે અને ઇન્ફેક્શનને વધારે છે. આ શોધ ક્લિનિકલ મંજૂરી પ્રાપ્ત દવાઓની ઓળખ તરફ દોરી જાય છે, જેના કારણે આ પ્રક્રિયાને નિષ્ફળ બનાવી શકાય છે.
EMBLની યુરોપિયન બાયોઇન્ફોર્મેટિક્સ ઇન્સ્ટિટ્યૂટ (EMBL-EBI) તથા અમેરિકામાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાન ફ્રાન્સિસ્કો (UCSF) સ્થિત વિજ્ઞાનીઓએ નોંધ્યું હતું કે, કોરોનાવાઇરસ સહિતના વાઇરસ યજમાન કોશોના તંત્ર પર કબ્જો જમાવી દે છે. તેમણે જણાવ્યું હતું કે, કેટલીક વખત આ હાઇજેકિંગ યજમાન કોશોના પ્રોટિન તેમજ એન્ઝાઇમ જેવાં અન્ય મહત્વનાં તત્વોની ગતિવિધિમાં હસ્તક્ષેપ કરે છે.
રવિવારે સેલ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર, વિજ્ઞાનીઓએ કોવિડના ઇન્ફેક્શન પછી ફોસ્ફોરાઇલેશન તરીકે ઓળખાતી એન્ઝાઇમેટિક પ્રક્રિયામાં ફેરફારો દર્શાવતા તમામ યજમાન અને વાઇરલ પ્રોટિન્સનું વિશ્લેષણ કર્યું હતું. તેમણે સમજાવ્યું હતું કે, ફોસ્ફરાઇલેશનમાં કાઇનેસ તરીકે ઓળખાતા એન્ઝાઇમના પ્રકાર દ્વારા પ્રોટિનમાં ફોસ્ફરિલ ગ્રૂપનો ઉમેરો થાય છે, જે કોશથી કોશના પ્રત્યાયન, કોશના વિકાસ અને કોશના નાશ સહિતની કોશની ઘણી પ્રક્રિયાઓના નિયમનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, યજમાનના પ્રોટિનમાં ફોસ્ફરિલેશનની પેટર્નને અપનાવીને વાઇરસ સંભવિતપણે અન્ય કોશો માટેના તેના પોતાના પ્રસરણને વિકસાવે છે.
તેમણે શોધ્યું હતું કે, વાઇરસ સાથે ક્રિયા પ્રતિક્રિયા કરનારા 12 ટકા યજમાન પ્રોટિનમાં ફેરફારો થયા હતા. વિજ્ઞાનીઓએ કિનેસિઝની પણ ઓળખ કરી હતી, જે આ ફેરફારોનું નિયમન કરે તે શક્ય છે. તેમણે સૂચવ્યું હતું કે, આ એન્ઝાઇમ્સ વાઇરસની પ્રવૃત્તિને અટકાવવા માટે અને કોવિડ-19ની સારવાર કરવા માટેની દવાઓ માટેનાં સંભવિત નિશાન છે.