- દેશની રાજધાની દિલ્હીમાં શાળાઓ ખુલી ગઈ
- કોરોના મહામારીમાં લાંબો સમય બંધ રહી છે શાળાઓ
- કોરોનાથી રક્ષણની તકેદારીઓ સાથે ફરી ખુલી શાળાઓ
દિલ્હીઃ દિલ્હીમાં શાળાઓના આંગણામાં બાળકોનો શોરબકોર ફરી એકવાર ધમધમી રહ્યો છે. આગામી 10 અને 12 ની વર્ગની બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે આ વર્ગના બાળકો માટે શાળાઓ ખોલવાનો નિર્ણય કર્યો છે. પૂર્વ દિલ્હીના પશ્ચિમ વિનોદનગર સ્થિત રાજ્ય સર્વોદય કન્યા વિદ્યાલયમાં 10 અને 12ની વિદ્યાર્થિનીઓ સહિત કુલ 900 બાળકો છે. આચાર્યા મંજુ શામીએ જણાવ્યું હતું કે કોરોનાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.
સેનેટાઈઝર થર્મલ સ્કેનિંગ જરુરી
શાળાના પ્રવેશદ્વાર પર સેનિટાઇઝર અને થર્મલ સ્ક્રિનિંગની સિસ્ટમ છે. પ્રવેશ સમયે જ શાળા તરફથી વિદ્યાર્થીઓને માસ્ક પણ આપવામાં આવી રહ્યાં છે. આચાર્યા મંજુ શામીએ જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં છાત્રાઓને ધ્યાનમાં રાખીને, 12માંના વર્ગને સવારે સાડા સાત વાગ્યે બોલાવવામાં આવ્યો છે, જ્યારે દસમાના વિદ્યાર્થીઓના આગમનનો સમય સવારે આઠ વાગ્યે છે. આજે પ્રથમ દિવસે પ્રાર્થનાખંડ દરમિયાન આચાર્યાએ તમામ વિદ્યાર્થિનીઓને કોરોના રોકવા માટે જરૂરી નિયમો અને પગલાં જણાવ્યાં હતાં.