નવી દિલ્હી: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં હિંસક ટોળા દ્વારા બે સાધુઓ સહિત ત્રણ વ્યક્તિઓની મારપીટ કરી હત્યા કરી હતી. તેની તપાસ માટે કેન્દ્રીય તપાસ બ્યુરો અને એનઆઈએ દ્વારા કરવામાં આવે તેવી દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે ગુરુવારે રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.
જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ખંડપીઠે વીડિયો કોન્ફરન્સિગ દ્વારા બે અરજીઓની સુનાવણી કર્યા બાદ મહારાષ્ટ્ર સરકારને નોટિસ ફટકારી હતી.
પહેલી અરજી પંચ દશબન જુના અખાડાના સાધુઓ અને મૃતકના પરિવાર દ્વારા કરવામાં આવી હતી. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે રાજ્ય પોલીસ 18 એપ્રિલે પાલઘર જિલ્લામાં બનેલી ઘટનાની સારી રીતે તપાસ કરી રહી નથી.
બીજી અરજી આ ઘટનાની રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા તપાસ કરાવવા માટે ઘનશ્યામ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવી છે.
પાલઘર જિલ્લાના કાસા થાણા હેઠળ 18 એપ્રિલે ટોળા દ્વારા બે સાધુઓ સહિત ત્રણ લોકોને માર મારવાના આરોપમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.