નવી દિલ્હી: પીએમ કેર ફંડ અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય આવ્યો છે. આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પીએમ કેર ફંડમાં જમા રકમ રાષ્ટ્રીય આપત્તિ રાહત ફંડમાં જમા થઈ શકતી નથી અથવા ટ્રાન્સફર કરી શકાતી નથી.
સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, પીએમ કેયર્સ ફંડમાં જમા કરાયેલી રકમ રાષ્ટ્રીય રાહત આપત્તિ ભંડોળમાં ટ્રાન્સફર થવી જોઈએ. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ એમ.આર. શાહની બેંચ સમક્ષ પીએમ કેયર્સને લગતા આ કેસની સુનાવણી થઈ હતી.
એકત્રિત કરેલી રકમ કોવિડ-19 રોગચાળા માટે રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાં ટ્રાન્સફર કરવા માટે કરેલી વિનંતી પર સુનાવણી પૂર્ણ કરતા બેંચે આ ચુકાદો આપ્યો હતો. આ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, કેન્દ્ર પીએમ કેયસ ફંડ આજદિન સુધી પ્રાપ્ત રકમના ઉપયોગ વિશે કોઈ માહિતી નથી આપી રહ્યું. આ અરજીમાં વિનંતી કરવામાં આવી હતી કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ રાષ્ટ્રીય યોજના ઘડવાની, અધિસૂચિત કરવા અને લાગુ કરવાના સરકારને નિર્દેશ આપવામાં આવ્યા છે.
સીપીઆઈએલે કહ્યું કે, સરકારે પીએમ કેયર ફંડ બનાવીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની અવગણના કરી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા પાસેથી પ્રાપ્ત નાણાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF)ના ખાતામાં જમા કરાવવા જોઈએ. પીએમ કેયર ફંડમાં જે પણ રકમ મળી છે, તે એનડીઆરએફમાં જ ટ્રાન્સફર થવી જોઈએ.