નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે હવાઈ યાત્રા દરમિયાન સામાજિક અંતરનું પાલન કરવા અંગે દાખલ કરેલી અરજી પર સોમવારે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. કોર્ટે નોંધ્યું કે, એર ઈન્ડિયા આગામી 10 દિવસ સુધી બધી ફ્લાઈટ્સ ચલાવી શકે છે, કારણ કે બુકિંગ પહેલેથી જ થઈ ચૂક્યું છે, પરંતુ 6 જૂન બાદ મિડલ સીટ માટે બુકિંગ લઈ શકશે નહીં.
આ સાથે સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં સામાજિક અંતર અવલોકન કરવા માટે એક અલગ આદેશ આપવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, બોમ્બે હાઈકોર્ટના આદેશ સામે કેન્દ્ર અને એર ઈન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે મિડલ સીટ બુક ન કરવા આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં જણાવ્યું કે, અમે સામાન્ય રીતે હાઈકોર્ટે પસાર કરેલા વચગાળાના આદેશમાં દખલ કરતા નથી, પરંતુ સોલિસિટર જનરલે વિદેશમાં ફસાયેલા ભારતીયો દ્વારા થતી મુશ્કેલી વિશે જણાવ્યું છે. તેઓને પ્રવાસ માટે માન્ય ટિકિટ આપવામાં આવી છે. હાઈકોર્ટના આદેશથી અનેક ચિંતાઓ અને સમસ્યાઓ ઉંભી થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, બોમ્બે હાઈ કોર્ટે એર ઈન્ડિયાને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં મિડલ સીટ ખાલી રાખવા સૂચના આપી હતી. આ ઉપરાંત હાઈકોર્ટે એર ઈન્ડિયાને ડિરેક્ટર જનરલ સિવિલ એવિએશનના સોશિયલ ડિસ્ટન્સિંગ સર્ક્યુલેશનનું પાલન કરવા પણ આદેશ આપ્યો હતું. આ જાહેરનામાં મુજબ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં મિડલ સીટ ખાલી રાખવી ફરજિયાત છે.