જયપુરઃ રાજસ્થાનની રામાયાણનો હવે અંત આવ્યો છે. છેલ્લા 32 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે બળવાખોર નેતા સચિન પાયલટ અને સમર્થક 18 અન્ય ધારાસભ્યો માની ગયા છે. મહત્વનું છે કે, સચિન પાયલટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી સાથે સોમવારે મુલાકાત કરી હતી. જેમાં કેટલીક શરતોને આધિન સચિન માની ગયાં છે.
આ પછી પાયલટે ટ્વીટ કરીને સોનિયા ગાંધી, રાહુલ ગાંધીનો આભાર માન્યો હતો અને કહ્યું કે, હું ભારત અને રાજસ્થાન માટે કામ કરતા રહીશ. સચિને મોડી રાતે કહ્યું કે, મારી વિરુદ્ધ ઘણું કહેવામાં આવ્યું છે, મેં હાઈકમાન્ડને બધી વાત કરી છે, મને એ વાતની ખુશી છે કે સોનિયા અને રાહુલે મારી વાત સાંભળી છે. બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મુખ્યપ્રધાન અશોક ગેહલોત સાથે ચર્ચા કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, સોનિયાએ ગેહલોતને પાયલટનો મામલો શાંતિપૂર્ણ માહોલમાં ઉકેલવા કહ્યું છે.
પાયલટની હાઈકમાન્ડ સાથે સોમવારે બે કલાક સુધી વાતચીત થઈ હતી. જેમાં પાયલટને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, તમારા સાથે કે તમારા અન્ય સાથી ધારાસભ્યો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. સચિન પાયલટે રાહુલ પ્રિયંકા ગાંધી સાથે સોમવારે મુલાકાત દરમિયાન કેટલીક શરતો રાખી હતી. જેમાં મુખ્યપ્રધાન પદ, બળવાખોર ધારાસભ્યોને પોતોના પદ ફરીથી આપવા અને તપાસ કમિટી બનાવવા જેવી બાબતો પર ચર્ચા થઈ હતી.
નોંધનીય છે કે, 20 જુલાઇએ ગેહલોતે પાયલટ સામે બળાપો ઠાલવતા કહ્યું હતું કે, સચિન નકામા અને બેકાર છે. રાજસ્થાનમાં 32 દિવસથી ચાલી રહેલો પોલિટિકલ ડ્રામા હવે શાંત પડવા જઈ રહ્યો છે. મહત્વનું છે કે, 14 ઓગસ્ટથી વિધાનસભામાં સત્ર શરૂ થઈ રહ્યું છે. આ સત્ર પહેલા રાજકીય મળાગાંઠ ઉકેલાતી દેખાઈ રહી છે. જો કે, સચિન પાયલટ સાથે 18 ધારાસભ્યએ ગયા મહિને ગેહલોત સરકાર વિરુદ્ધ બળવો કર્યો હતો, જેના પગલે કોંગ્રેસે પાયલટને નાયબ મુખ્યપ્રધાન અને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદેથી હટાવી દેવામાં આવ્યાં હતા.
હવે રાજસ્થાનમાં 14 ઓગસ્ટથી વિધાનસભા સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. આમ આશરે દોઢ કલાક સુધી ચાલેલી બંધ બારણેની બેઠક સારા સમાચાર લઈને આવી છે. હવે કોંગ્રેસ સચિનના પુનરાગમનની ફોર્મ્યુલા શોધી રહી છે. હાલ તો અશોક ગેહલોતની ખુરશી સુરક્ષિત છે, પણ સચિન કઈ શરતોને આધિન માની રહ્યાં છે, એ તો આવનારો સમય જ બતાવશે.