પટણાઃ બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ને વધુ એક ઝટકો લાગ્યો છે. મંગળવારે પહેલા પાર્ટીના પાંચ એમએલસી જીડીયુમાંથી જતા રહ્યા, ત્યારબાદ પાર્ટીના વરિષ્ઠ નેતા રઘુવંશ પ્રસાદે પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે.
જો કે, હાલ રઘુવંશ પ્રસાદ સિંહ કોરોનાગ્રસ્ત છે અને પટણા એઈમ્સમાં તેમની સારવાર ચાલી રહી છે. રઘુવંશ પ્રસાદ અગાઉ પણ પાર્ટીની કામગીરીથી નારાજ હતા. આ વિશે રઘુવંશે ઘણીવાર ખુલ્લેઆમ વાત કરી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે, પાર્ટીના કેટલાક નેતા બાહુબલી રામા સિંહને પાર્ટીમાં સામેલ કરવાને કારણે નાખુશ છે. જેથી રઘુવંશ પ્રસાદ સહિત પાર્ટીના અનેક મોટા નેતા આગામી સમયમાં લાલુની પાર્ટી છોડી શકે છે. આ અગાઉ એમએલસી સંજય પ્રસાદ, કમરે આલમ, રાધાચરણ સેઠ, રણવિજય સિંહ અને દિલીપ રાયે આરજેડીમાંથી રાજીનામું આપી દીધું હતું.
મહત્વનું છે કે, પાર્ટી છોડીને ગયેલા તમામ નેતાઓ તેજસ્વી યાદવ અને પાર્ટીની વિરુદ્ધ નારેબાજી કરી રહ્યાં હતાં. જો કે, આ અગાઉ જેડીયુ નેતા અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે, આરજેડીના અનેક ધારાસભ્ય પાર્ટી બદલાવની તૈયારીમાં છે.