નવી દિલ્હી: ભારત ચીન બાદ વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં કોરોનાગ્રસ્ત ટોચના 4 દેશોની યાદીમાં ઘણો ધીમે પહોંચ્યો છે. અમેરિકામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયા બાદ 76 દિવસમાં ત્રણ લાખથી વધુ લોકો કોરોના પોઝિટિવ થયા હતા. બ્રાઝિલમાં પ્રથમ કેસ નોંધ્યા બાદથી 85 દિવસમાં 3 લાખ દર્દીઓ નોંધાયા હતા. જ્યારે રશિયામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયા બાદ 3 લાખ કેસ પહોંચતા સુધીમાં 90 દિવસ થયા હતા.
દેશમાં કોરોનાનો વધી રહેલો ગ્રાફ: ફક્ત 10 દિવસમાં વધ્યા 1 લાખ દર્દીઓ - ભારત વિશ્વનો ચોથો કોરોના સંક્રમિત દેશ બન્યો
દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. ભારત વિશ્વનો ચોથો કોરોના સંક્રમિત દેશ બન્યો છે. હાલમાં ભારતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3 લાખને પાર થઈ ગઈ છે. દેશમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ 30 જાન્યુઆરીએ નોંધાયા બાદથી 1 લાખની સંખ્યા પહોંચતા સુધી 109 દિવસ થયા હતા. એટલે કે 18 મેએ કોરોના સંક્રમિતોની સંખ્યા 1 લાખ થઈ હતી. 2 જૂનના રોજ આ સંખ્યા 2 લાખને પાર થઈ અને ગત 10 દિવસમાં તેમાં 1 લાખનો વધારો થયો અને દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3 લાખને પાર પહોચી છે.

દેશમાં કોરોનાનો વધી રહેલો ગ્રાફ
ઉપરોક્ત દેશોની સરખામણીમાં ભારતમાં પ્રથમ કેસ 30 જાન્યુઆરી 2020ના રોજ નોંધાયો હતો અને તેના લગભગ 134 દિવસ બાદ 12 જૂને ભારતમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 3 લાખ સુધી પહોંચ્યો છે. હાલમાં ભારત કોરોના સંક્રમિતોની સંખ્યામાં વિશ્વમાં ચોથા નંબરે છે.