હરિદ્વાર: આયુષ વિભાગ દ્વારા પતંજલિની દિવ્ય ફાર્મસીને મોકલવામાં આવેલી નોટિસ બાદ હવે પતંજલિ યોગપીઠે પોતાનું નિવેદન આપ્યું છે. પતંજલિ યોગપીઠના સીઈઓ આચાર્ય બાલકૃષ્ણે કહ્યું છે કે, ઔષધિના લેબલ પર કોઈ ગેરકાયદેસર દાવા કરવામાં આવ્યા નથી. તેઓએ કહ્યું કે, ઇમ્યૂનિટી બુસ્ટરનું લાઇસન્સ લેવામાં આવ્યું હતું અને તે કોરોનિલ ગોળીઓ, શ્વસારી વટી અને અણુ તેલ ઇમ્યૂનિટી બુસ્ટર્સનું કામ કરે છે.
દિવ્ય ફાર્મસીએ મંગળવારે કોરોના દવા બનાવવાનો દાવો કર્યો હતો. જેના પર આયુષ મંત્રાલયે ધ્યાન આપતા પતંજલિને નોટિસ મોકલી દવાના વિજ્ઞાપન ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. તેમજ આ સાથે સંબંધિત દસ્તાવેજો પણ મંગાવ્યા હતા.બુધવારે ઉત્તરાખંડ આયુષ વિભાગે દિવ્ય ફાર્મસીને નોટિસ મોકલી હતી અને ફાર્મસીને તાત્કાલિક કોરોના કીટના પ્રચારને અટકાવવા અને લેબલમાં ફેરફાર કરવા આદેશ આપ્યા હતા. તેમને સાત દિવસની અંદર નોટિસનો જવાબ આપવા કહેવામાં આવ્યું હતું. આયુષ વિભાગે કહ્યું કે પતંજલિને ઇમ્યુનિટી બૂસ્ટર બનાવવાનું લાઇસન્સ આપવામાં આવ્યું હતું.