ગુજરાત

gujarat

છૂટક વેપારને સહાયની જરૂર છે ખરી?

By

Published : Jan 21, 2021, 6:38 PM IST

કોરોના સંકટને કારણે ઘણા બધા ક્ષેત્રો કર્ણના રથના પૈંડાની જેમ મુશ્કેલીમાં ખૂંપી ગયા છે. તેમાં એક છૂટક વેપારનું ક્ષેત્ર પણ છે. અનેક અભ્યાસો પરથી ખ્યાલ આવે છે કે છૂટક વેચાણની બજાર આકાશની ઊંચાઈને પ્રાપ્ત કરી શકે તેવી શક્યતાઓ છે. આમ છતાં મહામારી આવી અને તેના કારણે સમગ્ર વેપારનું માળખું ખોરવાઈ ગયું.

છૂટક વેપાર
છૂટક વેપાર

ન્યૂઝ ડેસ્ક: કોરોના સંકટને કારણે ઘણા બધા ક્ષેત્રો કર્ણના રથના પૈંડાની જેમ મુશ્કેલીમાં ખૂંપી ગયા છે. તેમાં એક છૂટક વેપારનું ક્ષેત્ર પણ છે. અનેક અભ્યાસો પરથી ખ્યાલ આવે છે કે છૂટક વેચાણની બજાર આકાશની ઊંચાઈને પ્રાપ્ત કરી શકે તેવી શક્યતાઓ છે. આમ છતાં મહામારી આવી અને તેના કારણે સમગ્ર વેપારનું માળખું ખોરવાઈ ગયું.

દેશના 40,000 જેટલા વેપારી મંડળોના સંગઠન કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ તરફથી ગત જુલાઈ મહિનામાં જણાવાયું હતું કે કોરોનાના કારણે લગાવાયેલા લૉકડાઉનને કારણે પ્રથમ 100 દિવસોમાં જ 15.5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. ત્યાર બાદ તબક્કાવાર દુકાનો ખોલવામાં આવી, પરંતુ વેપારની બાબતમાં અનિશ્ચિતતા દૂર થઈ નહોતી. હજી પણ વેપાર અને ઉદ્યોગ પૂર્ણપણે પાટે ચડી શક્યા નથી.

રિટેલર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા (RAI) તરફથી માગણી કરવામાં આવી છે કે આ સમસ્યામાંથી છૂટક વેપારીઓને બહાર કાઢવા માટે તેમના માટે અંદાજપત્રમાં રાહતની જાહેરાત થવી જોઈએ. એસોસિએશનની માગણી છે કે આગામી બજેટમાં રિટેલ માર્કેટ માટે કોઈ પેકેજની જાહેરાત થવી જોઈએ. દેશના અર્થતંત્ર માટે ગ્રાહકો તરફથી વસ્તુઓની માગ નીકળે તે જરૂરી હોય છે. તેમાં સૌથી અગત્યનું છૂટક વેચાણ બજાર છે. RAIની માગણીના મૂળમાં એ વાત છે કે છૂટક વેચાણને આડે આવતી બાબતોને હટાવવામાં આવે તો તેનો વિકાસ થઈ શકે. બજારના વિકાસ માટે ભંડોળની ફાળવણી કરવી જોઈએ. RAI તરફથી રાષ્ટ્રીય છૂટક વેચાણ નીતિ ઘડવાની પણ માગણી છે, જેથી તરત તેને અમલમાં મૂકીને બજારને ચેતનવંતુ કરી શકાય.

એસોસિએશન તરફથી એવી પણ માગણી થઈ રહી છે કે છૂટક વેપારને એમએસએમઈનો દરજ્જો આપવો જોઈએ. કરિયાણાની દુકાનોને મુદ્રા યોજના હેઠળ આવરી લઈને તેને ડિજિટલ બનાવવા માટે સહાય કરવી જોઈએ. કેન્દ્ર સરકાર આ દિશામાં વિચારે તે જરૂરી બન્યું છે, કેમ કે અભ્યાસો અનુસાર રાષ્ટ્રીય છૂટક વેચાણ નીતિ અમલમાં લાવવામાં આવે તો 2024 સુધીમાં આ ક્ષેત્રમાં 30 નોકરીઓ ઊભી થઈ શકે છે.

અહેવાલો અનુસાર રાષ્ટ્રીય છૂટક બજારનું કદ 2017માં 79,500 કરોડ રૂપિયાનું હતું, તે 2026માં વધીને 1.75 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચશે. 2019 માટેના વર્લ્ડ રિટેલ બિઝનેસ ઇન્ડેક્સમાં વિશ્વમાં ભારતનું સ્થાન બીજા નંબરનું છે. ભારતના જીડીપીમાં છૂટક વેચાણનો હિસ્સો 10 ટકા જેટલો છે. દેશભરમાં લગભગ 8 ટકા રોજગાર આ ક્ષેત્રમાંથી મળે છે. જોકે ભારતનું રિટેલ બજાર આજેય 88 ટકા બિનસંગઠિત છે. તેના કારણે મલેશિયા અને થાઈલૅન્ડમાં છે તે રીતે જીડીપીમાં રિટેલ સેક્ટરનો યોગ્ય હિસ્સો દેખાતો નથી.

લૉકડાઉન વખતે ધંધા પર અસર થવાના કારણે લગભગ 7 લાખ દુકાનો બંધ થઈ ગઈ હતી. આ દર્શાવ છે કે છૂટક વેચાણની બજારમાં સમસ્યા છે, કેમ કે માગ અને પુરવઠાનું સંતુલન ખોરવાઈ ગયું છે. બીજી બાજુ કેન્દ્ર સરકાર જણાવી રહી છે કે રાષ્ટ્રીય છૂટક વેચાણ નીતિ પર તે કામ કરી રહી છે અને વેપારી સરળતા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ધારાધોરણોમાં ઉદારીકરણ, કર્મચારીઓના કૌશલ્ય વર્ધન અને ઇન્ટરનેટનો ઉત્તમ ઉપયોગ આ ક્ષેત્રમાં થઈ શકે તે માટે વિચારાઈ રહ્યું છે.

અત્યારે વેપારી સંગઠનો ફરિયાદ કરી રહ્યા છે કે એક નાની દુકાન ખોલવા માટે 16થી 25 જેટલા પરવાના લેવા પડે છે. દરેક રાજ્યમાં પરવાના અને મંજૂરીના જુદા જુદા નિયમો છે. દુકાનદારો માગણી કરી રહ્યા છે કે મંજૂરીઓ માટે સિન્ગલ વિન્ડો સિસ્ટમ લાવવાની જરૂર છે અને તે પણ ઓનલાઇન કરી દેવી જોઈએ. આધુનિક ટેક્નોલૉજી માટે મંજૂરી અને તેને લાવવા માટે વધુ મૂડીની જરૂર પડે તે પૂરી પાડવા માટેની પણ માગણીઓ થઈ રહી છે.

ગોદામોની અપૂરત સંખ્યા, કૉલ્ડ સ્ટોરેજની સુવિધાઓ પણ ઓછી છે અને ટ્રાન્સપોર્ટની સેવામાં પણ ઉણપો રહેલી છે. આ બધાને કારણે લગભગ 8 ટકા જેટલો ખર્ચ વધી જાય છે. આ પાયાના પ્રશ્નોને ઉકેલવામાં આવે તો જ દેશભરમાં છૂટક વેચાણની બજાર ખીલી ઊઠે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details