અકીરા કુરાસાવા, લુઇસ બ્યુન્યુએલ, ઇંગમાર બર્ગમેન, કિસ્લોવસ્કી, જીન લ્યુક ગોડાર્ડ...વિશ્વ સિનેમાના આ તમામ માસ્ટરો કેરળના સિનેમા પ્રેમીઓમાં ખૂબ જાણીતા છે. અગાઉ રાજ્યના દૂર-દૂરના ખૂણામાં પણ કામ કરતી નાની-નાની ફિલ્મ સૉસાયટીઓએ સમાંતર આંતરરાષ્ટ્રીય ફિલ્મોને લોકો સુધી લઈ જવાનું કામ કર્યું છે. ટેલિવિઝન અને વિડિયો લાઇબ્રેરીઓની લોકપ્રિયતા સાથે, આ ફિલ્મ સૉસાયટીઓ ધીમેધીમે અદૃશ્ય થવા લાગી. જોકે, તાજેતરમાં શરૂ થયેલા કેટલાક પ્રાદેશિક ઓટીટી મંચો એ જ કામ કરી રહ્યા છે જે આ સૉસાયટીઓ અગાઉ કરતી હતી, નાની-નાની ફિલ્મો સમાંતર ફિલ્મો અને નાનાં બેનરની ફિલ્મોને દર્શકો આપી રહ્યા છે. કૉવિડના કારણે નિયંત્રણો આવ્યાં પરંતુ તેનાથી આ ઓટીટી શરૂ થવાની એક તક મળી ગઈ અને તેમની લોકપ્રિયતા વધી ગઈ, પરંતુ સાથોસાથ થિયેટરો ફરીથી ખુલવાથી તેમનો વેપાર જાળવી રાખવામાં તેમને બળ મળશે, તેમ ઉદ્યોગના નિષ્ણાતો માને છે. મોટાં બેનરની ફિલ્મો થિયેટરમાં પ્રદર્શન માટે કતારમાં છે ત્યારે નાનાં બેનરની ફિલ્મોએ તેમના પ્રદર્શન અને સ્ક્રીન પર લાંબો સમય હાજરી માટે આ ઓટીટી મંચો પર આધારિત રહેવું પડશે.
તાજેતરમાં શરૂ થયેલા, ખાસ મલયાલમ સામગ્રી માટેના બે ઓટીટી-નીસ્ટ્રીમ અને પ્રાઇમ રીલ્સ સ્ટાર કાસ્ટ કે મોટાં બેનર કરતાં ગુણવત્તાસભર સામગ્રીના સિદ્ધાંત પર કામ કરી રહ્યા છે. "અમે જે ધ્યાનમાં લઈએ છીએ તે છે સામગ્રી અને બનાવટની ગુણવત્તા. 'ધ ગ્રેટ ઇન્ડિયન કિચન'ને એેમેઝૉન અને નેટફ્લિક્સ બંનેએ નકારી દીધાં હતાં. પરંતુ અમને ફિલ્મમાં ગુણવત્તા દેખાઈ અને અમે જાણતા હતા કે તેને કેરળમાં ખૂબ જ આવકાર મળશે." તેમ નીસ્ટ્રીમના કેરળના પ્રાદેશિક વડા ચાર્લ્સ જ્યૉર્જ કહે છે. 'ધ ગ્રેટ ઇન્ડિયન કિચન' જેમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા સૂરજ વેન્જારમૂડુ અને રાજ્યના પુરસ્કાર વિજેતા નિમિષા સાજયન અગ્રણી ભૂમિકાઓમાં છે, તેણે કેરળને ગાંડું કર્યું છે અને કેરળના સમાજમાં પિતૃપ્રધાન વ્યવસ્થા તેમજ મહિલાઓ સાથે થતા ઉતરતા વ્યવહાર અંગે ખૂબ જ જરૂરી ચર્ચા જગવી છે. જ્યારે કોઈ ફિલ્મ ગરમ ચર્ચાનો વિષય બની ગયો ત્યારે લોકપ્રિયતા અને વધેલા લવાજમ (સબસ્ક્રિપ્શન)નો લાભ નીસ્ટ્રીમને પણ મળ્યો. "અમારા મોટા ભાગના ગ્રાહકો કેરળની બહારના છે જેમને નવી મલયાલમ ફિલ્મો જોવાની ઓછી તક હોય છે. લોકો હંમેશાં ગુણવત્તાસભર સામગ્રી સ્વીકારે છે." ચાર્લ્સ જ્યૉર્જ ઉમેરે છે.
કોચી સ્થિત ઓટીટી મંચ પ્રાઇમ રીલ્સ પણ સારી, સામાજિક પ્રાસંગિક ફિલ્મોને સારી તક આપે છે. તેની તાજેતરની રજૂ ફિલ્મ 'ધ કન્ફેશન્સ ઑફ અ કુકૂ' એક વાસ્તવવાદી ફિલ્મ છે જેમાં બાળકોના થતા જાતીય શોષણની ચર્ચા કરાઈ છે જેમાં ગુનેગારો નજીકના સગા છે. આ ફિલ્મ જય જિતિન પ્રકાશની છે. આ નિર્દેશકની તે પહેલી ફિલ્મ છે પરંતુ ઓટીટી મંચ તેને સ્વીકારતા અને તેની સામગ્રીને માન આપતા અચકાયો નહીં.
કેરળમાં હંમેશાં સારી ફિલ્મો જે વ્યાવસાયિક રીતે નિષ્ફળ ગયેલી ફિલ્મો છે, તેની સંસ્કૃતિ રહી છે. શક્તિશાળી વિતરણ નેટવર્કો આવી ફિલ્મોને થિયેટરની બહાર રાખે છે, જેનાથી તેમની વ્યાવસાયિક સફળતા અંગે શંકા જન્મે છે. અત્યારે પણ, થિયેટરોમાં આવી ફિલ્મોનું આયુષ્ય એક કે બે સપ્તાહ પૂરતું જ હોય છે. પ્રાદેશિક ઓટીટી મંચો આવી ફિલ્મોને લાંબા સમય સુધી મુખ્ય જગ્યા આપીને મદદનો હાથ આપે છે. પરંતુ ઉદ્યોગના નિષ્ણાતો કહે છે કે સારી ફિલ્મો હવે નાણાં પણ બનાવી રહી છે. 'ધ ગ્રેટ ઇન્ડિયન કિચન'ની રજૂઆત પછી નીસ્ટ્રીમનું લવાજમ નોંધપાત્ર રીતે વધી ગયું. પ્રાઇમ રીલ પાસે પણ રજૂ કરવા માટે સારી ફિલ્મો પડેલી છે. જ્યારે ગુણવત્તાસભર ફિલ્મો પાસે ચલાવવા સ્ટાર કાસ્ટ નથી હોતી ત્યારે તેને સારો આવકાર મળવો તેનાથી પ્રાદેશિક ઓટીટીને તેમની સામગ્રી પસંદગીની રણનીતિ સાથે મજબૂત રીતે આગળ વધવા માટે લીલી ઝંડી આપે છે. જ્યારે મોટા ઓટીટી મંચો પાસે ઉદ્યોગના મોટાં નામો સાથે સનસનાટી મચાવે તેવી સામગ્રી હોય છે ત્યારે પ્રાદેશિક ઓટીટી ઉદ્યોગના નાના ખેલાડીઓ સાથે એક અલગ પથ કંડારવાની હિંમત કરી રહ્યા છે.