અમિત શાહે કહ્યું કે સીઆરપીસી અને આઇપીસીમાં બદલાવ લાવવા એ સમયની માગ છે જેના પર કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સ્તરની નેશનલ પોલીસ યૂનિવર્સિટી અને ફોરેન્સિક યૂનિવર્સિટી બનશે. ગુનાખોરીના કિસ્સામાં ફોરેન્સિક પુરાવાઓના આધાર જરૂરી બનશે અને તેના પરથી જ 7 વર્ષ કે તેથી વધુ કેદની સજા કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ન્યાય પ્રણાલીમાં સમય સાથે બદલાવ આવવો જોઇએ અને પારંપરિક સંસાધનો જેવા કે ફોન ટેપિંગ વગેરે છોડીને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઇએ. 1860માં બનેલી ભારતીય દંડ સંહિતા અને 1872માં બનેલા ભારતીય પુરાવા અધિનિયમ અંગે નિષ્ણાતો ખેદ વ્યક્ત કરે છે. તેઓ સરકારને આ કાયદા અને અધિનિયમોમાં ધરમૂળથી ફેરફાર કરવા માટે વિનંતી કરે છે. 1973માં કેદની સજામાં ફેરફાર કરવામાં આવ્યો હોવા છતાં હાલના કાયદાઓમાં અનેક છટકબારીઓ છે. નાગરિકોના બંધારણીય હક્કો માટે આ કાયદામાં ફેરફાર કરવાની તાતી જરૂર છે.
CRPC અને IPCમાં સમય સાથે બદલાવની જરૂર
70 વર્ષના અંગ્રેજ શાસનની બેડી તોડી ભારતે આઝાદીની ઉડાન તો ભરી પરંતુ ત્યારના કાયદા-કાનુનના બંધનમાંથી મુક્તિ નથી મેળવી શક્યું. વર્ષ 1860માં ગઠીત ભારતીય દંડ સંહિતા (IPC)માં સંપૂર્ણ ફેરબદલાવ કરવાના સુચન પર ગૃહ મંત્રાલય વિચાર કરી રહ્યું છે. ફોજદારી કાર્યવાહી અધિનિયમની સંહિતા (CrPC)માં બદલાવ લાવવા માટે કેન્દ્ર સરકારે કાયદા નિષ્ણાતોની દેખરેખમાં બે સમિતીની રચના કરી છે. અંગ્રેજ શાસનને ધ્યાને રાખીને પોલીસ અનુસંધાન અને ભારતીય દંડ સંહિતાની રચના કરવામાં આવી હતી. ત્યારે ભારતના નાગરિકોના હિતોનું રક્ષણ થાય તે માટે હાલના કાયદાઓમાં પરિવર્તન લાવવું જરૂરી છે. હાલમાં જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે દેશની આંતરિક કાયદા વ્યવસ્થા મજબૂત થાય તે માટે આપરાધિક કેસમાં દંડની જોગવાઇમાં ફેરફાર થવો જોઇએ.
જસ્ટીસ થોમસ કહે છે કે "જ્યારે તમે ન્યાયિક રીતે કેસના ઉકેલ માટે ત્રણ દાયકાનો સમય માંગો છો, ત્યારે તમે આડકતરી રીતે નાગરિકને પાછલા બારણેથી ન્યાય મેળવી લેવાનું કહો છો". ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીએ પણ IPC અને CrPCમાં સુધારનું સુચન કર્યું હતું, કારણ કે જુની પ્રણાલીને લીધે ભારતીય ન્યાય તંત્રનું અધ:પતન થઇ રહ્યું છે. રીઢા ગુનેગારો તેમના ગુનાઓથી છટકી જાય છે અને નાના ચોરોને ભારે દંડ આપવામાં આવી રહ્યો છે. ભ્રષ્ટાચાર, કાળા બજાર અને ખોરાકમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર વ્હાઇટ કૉલર ગુનાઓ કરનાર લોકો સજાની જોગવાઇના અભાવે સરળતાથી કાયદાના શકંજામાંથી છટકી જાય છે, જેના માટે સંસ્થાનમ્ સમિતિએ ટીકા કરી છે. આવનારા સમયમાં પડકાર બદલાઇ રહ્યાં છે જેનો સામનો કરવા માટે કાયદામાં આધુનિકીકરણ પર ભાર આપવો જરૂરી છે.
એક તરફ તો સામાન્ય નાગરિકો માટે ન્યાય મેળવવો મૃગજળ સમાન છે તો બીજી બાજુ VIPs ને જાહેર રજાઓમાં પણ જામીન મળી જાય છે. ત્યારે મોદી સરકારે 1,458 કાયદાઓ રદ્દ કર્યા છે અને 58 જુના કાયદાઓમાં સુધાર લાવ્યા છે. રાજદ્રોહ અને માનહાની જેવા કાયદાઓ, અંગ્રેજોના શાસન દરમિયાન વિરોધ પ્રદર્શનોને દબાવવા માટે લાવવામાં આવ્યા હતા, જે હાલમાં પણ IPCમાં સ્થાન ધરાવે છે. લોકશાહીમાં લોકોના અવાજનું દમન કરવા આવા કાયદાઓનો દુરુપયોગ કેટલાક નેતાઓ કરે છે. ન્યાય પ્રણાલીનો મજાક ન બને અને લોકો તેમના મૂળભૂત હક્કો માટે જાગૃત થાય તે માટે ત્વરીત કાયદાઓમાં ફેરબદલાવ લાવવો જરૂરી છે. 2003માં ગઠીત થયેલી એક સમિતિએ આપેલી માર્ગદર્શિકામાં અનેક સુચનો કરવામાં આવ્યા છે, જેમાં સામાન્ય માણસ ન્યાયિક પ્રણાલી પર ફરી કેવી રીતે વિશ્વાસ બેસાડી શકશે તે માટેના સુચનો કરવામાં આવ્યા છે. હાલની ન્યાયિક પ્રણાલી તો આરોપીને છાવરે છે અને પીડિતને વધુ પ્રતાડે તેવી છે. કાયદા અને નિયમોમાં સુધારની દિશામાં આ સૂચનો દીવાદાંડી સમાન છે.