ગુજરાત

gujarat

By

Published : Jan 26, 2020, 6:03 AM IST

ETV Bharat / bharat

બંધારણીય ગણતંત્રનાં મૂલ્યોને ફરીથી માગવા

ભારત બંધારણીય ગણતંત્ર તરીકે પ્રભાવશાળી સમયગાળાનાં 70 વર્ષ ઉજવી રહ્યું છે. નાગરિકત્વ સુધારા કાયદા (CAA) અને રાષ્ટ્રીય નાગરિકોના રજિસ્ટર (NRC) સામે દેશભરમાં સમૂહ વિરોધમાં વારંવાર ભારતના બંધારણની સ્તુતિ કરવામાં આવી છે.

ETV BHARAT
બંધારણીય ગણતંત્રનાં મૂલ્યોને ફરીથી માગવાં

ન્યૂઝ ડેસ્ક: ભારત બંધારણીય ગણતંત્ર તરીકે પ્રભાવશાળી સમયગાળાનાં 70 વર્ષ ઉજવી રહ્યું છે. નાગરિકત્વ સુધારા કાયદા (CAA) અને રાષ્ટ્રીય નાગરિકોના રજિસ્ટર (NRC) સામે દેશભરમાં સમૂહ વિરોધમાં વારંવાર ભારતના બંધારણની સ્તુતિ કરવામાં આવી છે. ભારતીય બંધારણમાં એવો સમયગાળો યાદ કરવો ઘણો કઠિન છે, જ્યારે બંધારણ આટલું પ્રેરક બળ હોય અને લોકપ્રિય ચળવળમાં માર્ગદર્શક હોય. છેલ્લા બેએક મહિનાથી આપણે જોયું છે કે, વિવિધ વિરોધ સ્થળોએ હજારો લોકો દ્વારા સામૂહિક રીતે બંધારણનું આમુખ વાંચવામાં આવ્યું હોય. CAA-NRC વિરોધી પ્રદર્શનોએ સરકારો, ન્યાયતંત્ર અને શૈક્ષણિક સંસ્થાનો દ્વારા વર્ષોથી કરવામાં આવતા અનેક નિરસ અને ઉદાસીન પ્રયાસો કરતાં ભારતીય બંધારણને લોકપ્રિય બનાવવા વધુ કર્યું છે. આ પોતે જ ભારતના ચાલી રહેલા જન વિરોધમાં ટકાઉ પ્રદાન છે.

પરંતુ બંધારણની સ્તુતિનો શું અર્થ છે? શું તે માત્ર પ્રતીકાત્મક ચેષ્ટા છે કે પછી વ્યૂહાત્મક પગલું છે, જે ભારતને આધીનતાનો ધાર્મિક મતભેદો પર વિજય પ્રાપ્ત કરવાનો પુનરોચ્ચાર કરે છે? જામા મસ્જિદના પગથિયે ચંદ્રશેખર આઝાદની બંધારણ હાથમાં પકડેલી તસવીર આંદોલન માટે ખૂબ જ વ્યાખ્યાયિત કરનારી ક્ષણ શા માટે છે? શું આ કાર્યો માત્ર ડૉ.આંબેડકર અને બંધારણને માત્ર પરંપરાગત સન્માન છે? આ પૈકી કેટલીક સ્તુતિઓમાં વ્યૂહાત્મક અને પરંપરાગત વલણો હોઈ શકે છે ત્યારે વિરોધ એ મૂળભૂત રીતે આધારભૂત બંધારણીય મૂલ્યો પર આધારિત છે. આજે બંધારણને વધુને વધુ ઉલ્લેખવામાં આવે છે. કારણ કે, એવી મજબૂત ધારણા છે કે તેના અસ્તિત્વ સામે આજે પડકાર છે. નષ્ટ થઈ જવાનો પડકાર, જરૂરી નથી કે ઔપચારિક ઢબે જ હોય, પરંતુ સરકારનાં અનેક કાયદાકીય અને કાર્યકારી કૃત્યો દ્વારા હજારો કાપા સાથે તેને બોદું બનાવી દેવામાં આવે.

બંધારણને અપીલ એ પછી આ દસ્તાવેજમાં અંદર રહેલાં મહત્ત્વપૂર્ણ મૂલ્યોને અપીલ બની જાય છે. તે એવા વિચારનો દાવો છે કે, ભારત એ બંધારણીય ગણતંત્ર છે અને માત્ર ચૂંટણી સંબંધી લોકશાહી નથી.

35 વર્ષમાં સૌથી નિર્ણાયક ચૂંટણી ચુકાદાના માત્ર 6 મહિના પછી જ આવા વ્યાપક લોક વિરોધો ફાટી નીકળવા તે હકીકત દર્શાવે છે કે, બંધારણીય ગણતંત્રને આધાર દેવો તે પ્રક્રિયાગત, બહુમતીવાળી લોકશાહીથી જુદો છે. ભારત બંધારણીય ગણતંત્ર તરીકે 70 વર્ષ પૂર્ણ કરે છે તે જોતાં આ વિશેષ બંધારણીય મૂલ્યોને આપણે યાદ કરવાં, પ્રતિબિંબિત કરવાં અને પુનઃઉચ્ચાર કરવાં જોઈએ.

બંધારણના આમુખમાંથી આપણે સમજી શકીએ છીએ કે, ભારત લોકશાહી અને ગણતંત્ર બન્ને છે. ભારતના બંધારણનો ગણતાંત્રિક સ્વભાવ, સામાન્ય રીતે સમજવામાં આવે છે તેમ, રાજ્ય અને સરકારના વડા લોકપ્રિય રીતે ચૂંટાયેલા હોય અને તે નહીં કે વારસામાં આવતા રાજા હોય, પૂરતો સીમિત નથી. ભારત બંધારણીય ગણતંત્ર છે અને માત્ર લોકશાહી નથી, કારણ કે, તે ચોક્કસ નિયમો અને સંસ્થાનો પર કબજો ધરાવે છે જે ચૂંટણીલક્ષી લોકશાહીના સિદ્ધાંતને પાર જતાં મૂળભૂત મૂલ્યોને ઉત્તેજન આપવા અને તેની સુરક્ષા કરે છે. આ નિયમો અને મૂલ્યો બંધારણના મહત્ત્વના હેતુઓમાં શ્રેષ્ઠ રીતે ઝીલાયાં છે. જેમ કે, આમુખમાં નિવેદિત કરાયું છે: ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારો.

જ્યારે લોકશાહી એ સરકારની પ્રણાલિ છે જ્યાં સત્તાનો એવા લોકો દ્વારા ઉપયોગ થાય છે જે લોકપ્રિય રીતે ચૂંટાયેલા હોય, ત્યારે બંધારણીય ગણતંત્ર સુનિશ્ચિત કરે છે કે, આ સત્તાનો ઉપયોગ ચોક્કસ નિયમ પ્રમાણે થાય. આથી, બંધારણ જે મેળવવા માગે છે તે માત્ર કાયદેસર રાજકીય સત્તા બનાવવી અને તેનો ઉપયોગ કરવો તે નથી, પરંતુ તે ચોક્કસ મૂળભૂત મૂલ્યોની સુરક્ષા માટે આવી સત્તાનાં કાર્યોને પણ નિયંત્રિત કરવા માગે છે. 17 સપ્ટેમ્બર 1949ના રોજ બંધારણ સભામાં બોલતા ડૉ.બી.આર.આંબેડકરે સમજાવ્યું હતું: "બંધારણનો હેતુ માત્ર દેશનાં અવયવો સર્જવાનો જ નથી, પરંતુ તેમની સત્તાને મર્યાદિત કરવાનો પણ છે. કારણ કે, જો અવયવોની સત્તા પર કોઈ મર્યાદા નહીં થોપવામાં આવે તો સંપૂર્ણ નિરંકુશતા અને સંપૂર્ણ દમન થઈ જશે."

અત્રે આંબેડકર બંધારણવાદની અવધારણાને સારરૂપ સમજાવે છે, એ વિચાર કે દેશ/રાજ્ય તેની સત્તાના ઉપયોગમાં કાનૂની રીતે મર્યાદિત હોવું જોઈએ અને તેની કાયદેસરતા આવી મર્યાદાઓને સન્માન આપવામાંથી આવવી જોઈએ. આથી, બંધારણીય ગણતંત્ર લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારનાં કાર્યોનું ક્ષેત્ર મર્યાદિત કરવા માગે છે.

જ્યારે લોકશાહીનો મહત્ત્વનો હેતુ 'લોકોની ઈચ્છા'ને આગળ વધારવાનો છે, ત્યારે બંધારણીય ગણતંત્ર જેને ઘણી વાર 'બહુમતીની નિરંકુશતા' કહેવામાં આવે છે તેનાથી લોકોની સુરક્ષા કરવા પણ માગે છે. ભારતીય બંધારણ મૂળભૂત અધિકારોનો સમૂહ પ્રસ્તાવિત કરે છે, જે કોઈ સરકાર ભલે તે ગમે તેટલા મોટા આદેશ સાથે કેમ ન હોય, તેનો તે તેના નાગરિકોને ઈનકાર ન કરી શકે. બંધારણીય ગણતંત્ર માટે દેશ/રાજ્યએ કાયદાના નિયમોને વળગી રહેવું, વ્યક્તિગત સ્વતંત્રતાની સુરક્ષા, નાગરિકો સાથે સમાન વ્યવહાર અને સત્તાના સ્વેચ્છા મુજબ ઉપયોગથી સ્વતંત્રતા જેવા કેટલાક માપદંડોને અનુસરવું જરૂરી છે.

જ્યારે આ બંધારણીય મૂલ્યો જોખમમાં આવે છે, ત્યારે તેમનો પુનરોચ્ચાર કરવો અને પુનઃ માગવાથી લોકોનો ઉત્સાહ વધે છે. CAA અને NRC સામેના વિરોધો એ એવી ભાગ્યે જ આવતી ક્ષણો પૈકીની એક છે જ્યારે આ અમૂર્ત લાગતા સિદ્ધાંતોને લોકોની વિવિધ પ્રકારે અભિવ્યક્તિ દ્વારા જીવન અને અર્થ મળે છે. ભારતનું બંધારણ વકીલો, ન્યાયાધીશો, વિદ્વાનો અને રાજ્યના અધિકારીઓના ઘેરામાંથી હવે બહાર નીકળી રહ્યું છે. ભારતમાં મજબૂત નાગરિક શિક્ષણ પ્રણાલિના અભાવે લોકોને સર્જનાત્મક રીતે બંધારણના વિચારોને ફરીથી માગતા અટકાવ્યા નથી. આવી બંધારણીય સંસ્કૃતિનો ફેલાવો જ ગણતંત્ર દિવસની ભાવનાને ખૂબ જ યોગ્ય રીતે ઝીલે છે અને નહીં કે, ગણતંત્ર દિવસની પરેડ આસપાસ રહેલી સજાવટ અથવા તો પછી બંધારણીય જોગવાઈઓનાં સંકુચિત કાયદાકીય અર્થઘટનો. બંધારણમાં પ્રતિષ્ઠિત કરેલાં-જેના માટે ખૂબ આકરી લડાઈ લડવામાં આવી છે તે- મૂલ્યોને જાળવવાં હોય તો, લોકો માટે અગત્યનું છે કે શેરીઓથી માંડીને ન્યાયાલયો સુધી તમામ મોરચા પર આ મૂલ્યો જે પડકારોનો સામનો કરી રહ્યાં છે તેમને સામૂહિક રીતે પડકારવા જોઈએ.

- મેથ્યૂ ઇડિક્યુલા (બેંગલુરૂ સ્થિત વકીલ, સંશોધક, લેખક તેમજ સેન્ટર ફૉર લૉ એન્ડ પૉલિસી રીસર્ચમાં સલાહકાર)

ABOUT THE AUTHOR

...view details