- લાલ કિલ્લામાં હિંસા ફેલાવનારાની ધરપકડ
- તીસ હજારી કોર્ટે આરોપીને 7 દિવસની કસ્ટડીમાં રાખવા આપ્યો આદેશ
- હરિયાણાના કરનાલથી કરવામાં આવી ધરપકડ
નવી દિલ્હી: તીસ હજારી કોર્ટે 26 જાન્યુઆરીએ લાલ કિલા પર ત્રિરંગાનું અપમાન કરવા બદલ ધરપકડ કરાયેલા દીપ સિદ્ધુને 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. દીપ સિદ્ધુની રજૂઆત બાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પ્રજ્ઞા ગુપ્તાએ આ આદેશ આપ્યો હતો. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે દીપ સિદ્ધુની 10 દિવસ કસ્ટડીની માંગ કરી હતી. કોર્ટે આ કેસમાં સહ આરોપી સુખદેવ સિંહને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે.
10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા
સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે દીપ સિદ્ધુના 10 દિવસના પોલીસ રિમાન્ડની માગ કરી હતી. પોલીસે કહ્યું કે દીપ સિદ્ધુની પૂછપરછ કરવી પડશે. તેની વિરુદ્ધ વીડિયોગ્રાફી પુરાવા છે. પોલીસે કહ્યું કે સિદ્ધુએ લોકોને ઉશ્કેર્યા હતા. જેના કારણે લોકોએ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે. તે જે વાહનમાં આવ્યો હતો તે જપ્ત કરવાના બાકી છે. આ સાથે જ દીપનો મોબાઈલ ફોન પણ રિકવર કરવાનો છે. એક મોબાઈલ પટિયાલામાં ફેંકી દેવામાં આવ્યો હતો.