- માલાબાર યુદ્ધાભ્યાસનો બીજો તબક્કો આજથી શરૂ
- ઉત્તરી અરબ સાગરમાં થશે યુદ્ધાભ્યાસ
- પહેલો તબક્કો 3થી 6 નવેમ્બર સુધીમાં યોજાયો હતો
નવી દિલ્હીઃ ભારતીય નૌસેનાના યુદ્ધાભ્યાસ ‘માલાબાર’નો બીજો તબક્કો આજે (મંગળવાર) ઉત્તરી અરબ સાગરમાં શરૂ થશે. જેમાં ભારતીય નૌસેનાના વિક્રમાગિત્ય વિમાનવાહક જહાજ, અમેરિકી વિમાન વાહક જહાજ અને ઓસ્ટ્રેલિયા તેમજ જાપાન નૌસેનાના મોરચા હેઠળ તહેનાત જહાજ ચાર દિવસ સુધી યુદ્ધાભ્યાસ કરશે. અધિકારીઓએ જણાવ્યું કે, આ યુદ્ધાભ્યાસ દરમિયાન ‘ક્વાડ’ (QUAD) સમૂહ દેશોની નૌસેનાઓ સાથે મળીને કાર્ય કરવાની ક્ષમતા વધારવા માટે અભ્યાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, માલાબાર યુદ્ધાભ્યાસના પહેલો તબક્કો 3થી 6 નવેમ્બર બંગાળની ખાડીમાં સંપન્ન થયો હતો.
બીજો તબક્કો 17થી 20 નવેમ્બર સુધી
આ યુદ્ધાભ્યાસ એવા સમયે થઇ રહ્યો છે, જ્યારે છેલ્લા 6 મહિનાથી ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખ સીમા પર ગતિરોધ ચાલી રહ્યો છે. જેના કારણે બંન્ને દેશો વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. નૌસેનાએ એક નિવેદનમાં જણાવ્યું કે, ‘માલાબાર યુદ્ધાભ્યાસનો બીજો તબક્કો ઉત્તરી અરબ સાગરમાં 17થી 20 નવેમ્બરની વચ્ચે યોજાશે.’