બિઝનેસ ડેસ્ક: ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિની બેઠક આજથી શરૂ થઈ ગઈ છે. રિઝર્વ બેન્કે 28 સપ્ટેમ્બરે એમપીસીની બેઠક ટાળી દીધી હતી. સમિતિમાં સ્વતંત્ર સભ્યોની નિયુક્તિમાં મોડું થવાના કારણે બેઠકને થોડા સમય માટે ટાળવી પડી હતી, પરંતુ હવે સરકાર તરફથી એમપીસીમાં ત્રણ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.
વિશેષજ્ઞોના મતે, કેન્દ્રિય બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે, જરૂરિયાત પ્રમાણે નાણાકીય નીતિઓમાં ફેરફાર થઈ શકે છે અને વ્યાજદરોમાં પણ ઘટાડો થવાની સંભાવના છે. એસોચેમના મહાસચિવ દિપક સુદે કહ્યું હતું કે, આરબીઆઈએ વ્યાજ દરોમાં ઘટાડાનો સિલસિલો ચાલુ રાખવો જોઈએ. યુનિયન બેન્કના એમડી-સીઈઓ રાજકિરણ રાયે કહ્યું, મોંઘવારીના દબાણમાં રેપો ઘટાડવો સંભવ નથી લાગી રહ્યું. તો બીજી તરફ વિશેષજ્ઞોનું માનવું છે કે રેપો રેટમાં કાપ મુકવાની સંભાવના ઓછી છે. બજાર વિશ્લેષકોનું કહેવુ છે કે પહેલા ક્વાર્ટરમાં જીડીપી રેકોર્ડ નીચલા સ્તર સુધી ગયા બાદ આ પહેલી બેઠક ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ઓગસ્ટમાં થયેલી એમપીસીની 24મી બેઠકમાં આરબીઆઈએ રેપોરેટમાં કોઈ ફેરફાર નહતો કર્યો. આ 4 ટકા યથાવત્ છે અને રિવર્સ રેપોરેટ 3.35 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે. જો આ બેઠકમાં રેપો રેટ ઓછો કરવામાં આવે તો ગ્રાહકોને ઈએમઆઈમાં રાહત મળશે.