નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ હવે નવી આવૃત્તિમાં 20 રૂપિયાની નોટને પણ સામેલ કરી દીધી છે. નવી 20 રૂપિયાની નોટમાં રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર છે. જણાવી દઈએ કે, નવી નોટ પ્રકાશિત થયા બાદ પણ જૂની નોટ ચલણમાં રહેશે.
નોટિફિકેશનમાં આપવામાં આવેલી નવી નોટની ડિઝાઇનની વાત કરીએ તો, તેના આગળના ભાગ પર મહાત્મા ગાંધીનું ચિત્ર મધ્યમાં છે. હિન્દી અને ઇંગ્લિશના અંકમાં નોટનું મૂલ્ય, RBI, ભારત India અને 20 માઇક્રો લેટર્સમાં લખાયા છે.
નોટના આગળના ભાગ પર ગેરંટી ક્લોઝ, ગવર્નરના હસ્તાક્ષર, RBIનું એમ્બલમ મહાત્મા ગાંધીના ચિત્રની જમણી તરફ છે. અશોક સ્તંભ નોટની જમણી તરફ છે. નોટનો નંબર ડાબેથી જમણે છાપવામાં આવ્યો છે.
નોટને ઉલટાવવા પર દેશની સાંસ્કૃતિક વિરાસતની ઝલક જોવા મળશે. નોટના પાછળના ભાગ પર ઈલોરાના ગુફાના ચિત્રોને અંકિત કર્યા છે. નોટના પાછળના ભાગે ડાબી બાજુએ વર્ષ, સ્વચ્છ ભારતના લોગો તેમજ સ્લોગન સાથે અને ભાષાની પટ્ટી છે. નવા નોટની લંબાઇ 129 મીલીમીટર છે અને પહોળાઈ 63 મિલીમીટર છે.