મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે શનિવારે કહ્યું હતું કે, કોવિડ-19 પાછલા 100 વર્ષનું સૌથી મોટું સંકટ છે. જેથી ઉત્પાદન અને રોજગારી ઉપર નકારાત્મક અસર પડી શકે છે.
SBIના એક વર્ચ્યુઅલ કોન્કલેવ 'કોવિડ -19ની બિઝનેસ અને અર્થતંત્ર પર અસર' પર વાત કરતા શક્તિકાંત દાસે કહ્યું કે, કોવિડ-19 દ્વારા સર્જાયેલા વર્તમાન સંકટથી નાણાંકીય વ્યવસ્થાને બચાવવા માટે ઘણા પગલા લેવામાં આવી રહ્યાં છે. અર્થવ્યવસ્થામાં રિકવરી માટે મદદ કરવામાં આવી રહી છે. ગ્રોથ એ RBIની સૌથી પહેલી પ્રાથમિકતા છે. આ ઉપરાંત નાણાંકીય સ્થિરતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ અર્થવ્યવસ્થામાં નાણાંકીય સ્થિરતા પ્રદાન કરવા માટે ફેબ્રુઆરી, 2019થી રેપોરેટમાં 250 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે શનિવારે કહ્યું હતું કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં કોવિડ-19ના શરૂઆતના તબક્કામાં RBIએ 135 પોઈન્ટનો ઘટાડો કર્યો છે.
7મા SBI બેન્કિંગ કૉન્ક્વેલમાં ભાષણ આપતાં દાસે કહ્યું હતું કે, છેલ્લા 100 વર્ષમાં કોવિડ-19એ સૌથી ખરાબ સ્વાસ્થ્ય અને આર્થિક સંકટ છે. જેના કારણે ઉત્પાદન, નોકરી અને સેવા સહિતની અનેક બાબતોમાં નકારાત્મક પરિણામ જોવા મળી રહ્યાં છે. કોરોના મહામારીના કારણે ઉભા થતાં જોખમોને ઓળખવા ઓફસાઈટ સર્વેલન્સ મિકેનિઝમને મજબુત બનાવવામાં આવી રહી છે. કોરોના વાયરસના કારણે નોન પરફોર્મિંગ એસેટ (NPA)માં વધારો થશે અને કેપિટલ (મૂડી) ઘટશે.
દાસે કહ્યું કે, પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PMC) બેન્કની સમસ્યાનું સમાધાન કરવા માટે RBI તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે વાત કરી રહી છે. નાણાકીય પ્રણાલીમાં રાહત લાવવા અને ક્રેડિટ ફ્લો સુનિશ્ચિત કરવા માટે મૂડી ઉભી કરવામાં આવી રહી છે. પ્રતિબંધોમાં છૂટછાટને કારણે ભારતીય અર્થવ્યવસ્થા સામાન્ય સ્થિતિમાં પાછા ફરવાના સંકેતો મળી રહ્યાં છે. આ તણાવપૂર્ણ એસેટની સમસ્યાને પહોંચી વળવા સ્ટ્રક્ચર્ડ મિકેનિઝમ્સની જરૂર છે. આ માટે લિગલ સપોર્ટ પણ હોવો જોઈએ. ભારતીય કંપનીઓ અને ઉદ્યોગો આ કટોકટીમાં વધુ સારો પ્રતિસાદ આપી રહ્યાં છે.
મહત્વનું છે કે, RBIએ ફેબ્રુઆરી 2019થી અત્યાર સુધીમાં રેપો રેટમાં 250 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. આ વર્ષમાં અત્યાર સુધીમાં રેપો રેટમાં 135 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે.