નવી દિલ્હીઃ સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, દેશમાં કોરોના વાઈરસને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 1,886 થઈ ગઈ છે. કોવિડ-19થી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 56,342 થઈ ગઈ છે.
સંયુક્ત સચિવે કહ્યું હતું કે, દેશમાં 37,916 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. જ્યારે 16,539 લોકો સ્વસ્થ થયાં છે અને એક વ્યક્તિ દેશની બહાર ગયો છે. અત્યારે કુલ કેસોમાં 111 વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે.
સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે, કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. તેમણે જણાવ્યું હતું કે, હવે દર્દીઓ 29.36 ટકાના દરે સ્વસ્થ થઈ રહ્યાં છે. 24 કલાકમાં કોવિડ-19ના 3390 નવા કેસો આવ્યા છે અને 103 લોકોનાં મોત નીપજ્યાં છે.
સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, દેશમાં 216 એવા જિલ્લાઓ છે જેમાં કોઈ કેસ નોંધાયેલો નથી. 42 જિલ્લાઓ એવા છે જેમાં છેલ્લા 28 દિવસથી કોઈ કેસ નોંધાયો નથી. 29 જિલ્લાઓ એવા છે જેમાં છેલ્લા 21 દિવસથી કોઈ કેસ નથી. 36 જિલ્લા એવા છે જેમાં છેલ્લા 14 દિવસથી કોઈ કેસ નથી. 46 જિલ્લા એવા છે જેમાં છેલ્લા 7 દિવસથી કોઈ કેસ નથી.
લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, 2 કોવિડ-19ના દર્દીઓએને રેલવેના એક કોચમાં રાખી શકાશે. 2500 ડોકટરો અને 35 હજાર પેરામેડિકલ સ્ટાફ પણ રેલવે દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયે વિદેશથી પરત ફરનારા લોકો માટે રાજ્યોમાં હોટલ રાખવા માટે વધારાના માર્ગદર્શિકા જારી કરી છે. હવે આપણે વાઈરસ સાથે જીવવાનું શીખવાનું છે, આપણે આપણી જીવનશૈલીને બદલવી પડશે.