નવી દિલ્હી : રાજ્યસભામાં મંગળવારે વિપક્ષી દળોના 8 સાંસદોને સસ્પેન્ડ કરાયાના મુદ્દા પર ખેંચતાણ ચાલું છે. વિપક્ષે સભાપતિના નિર્ણયનો વિરોધ કર્યો હતો. રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, જ્યાં સુધી ઉપલા ગૃહના સદનના આઠ સભ્યોનું સસ્પેન્શન પાછું ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી વિપક્ષ કાર્યવાહીનો બહિષ્કાર કરશે. આ માંગને લઈને કેટલાક વિપક્ષી દળોના સભ્યો કોંગ્રેસની આ માંગ સાથે જોડાયા હતા.
ગુલામ નબી આઝાદે કહ્યું કે, સદનમાં જે પણ ઝઘડો થયો છે. તેનાથી અમે પણ દુ:ખી છીએ. જે કાંઈ પણ થયું તેનાથી કોઈ ખુશ નથી. આ અમારો પરિવાર છે અને સભાપતિ પરિવારના મુખ્યા છે. ઝઘડો તો ઘરમાં પણ થતો હોય છે, પરંતુ આ ઘટના સમયના અભાવનું કારણ છે.
આ ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે, વિષય મોટો હોય છે અને સમય ઓછો હોય છે. બોલવાનું સૌને હોય છે કોઈને એક મિનટ મળે તો કોઈને બે મિનીટ મળે છે. કેટલીક વખત તો એવો ઝઘડો થાય છે કે સરહદ પર લડાઈ થઈ રહી છે. તે દિવસે 18 પાર્ટીઓ એક તરફ હતી અને એક પાર્ટી એક તરફ હતી. મને લાગે છે કે, સરકાર અને વિપક્ષ વચ્ચે તાલમેલ હોવો જરુરી છે.
આઝાદે કહ્યું કે, સરકારે સ્વામીનાથન ફોર્મ્યુલા મુજબ સમય સમય પર ન્યૂનતમ મૂલ્ય નક્કી કરતા રહેવું જોઈએ. સરકારની અંદર તાલમેળનો અભાવ છે. એક દિવસ પહેલા જ કૃષિ બિલો પર પૂરી ચર્ચા એમએસપી પર કેન્દ્રિત રહી અને તેના બીજા દિવસે સરકારે અનેક પાક માટે એમએસપી જાહેર કરી.
તેમણે કહ્યું કે, જ્યાં સુધી સાંસદોનું સસ્પેન્શન પાછું નહિ ખેંચાય ત્યાં સુધી કોંગ્રેસ સત્રને બાયકૉટ કરશે.