જયપુર : રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગના ડરથી ગુજરાતના નેતાઓનો જયપુર આવવાનો સિલસિલો યથાવત છે. આ સમગ્ર સિયાસી માહોલ વચ્ચે જયપુરમાં અત્યાર સુધીમાં ગુજરાતના 65થી વધુ MLA અને કુલ મળીને 70થી વધુ નેતા જયપુર પહોંચ્યા છે. આ પહેલા શનિવારે ગુજરાતના 14 ધારાસભ્યો અને રવિવારે 20 ધારાસભ્યો રાજધાની જયપુર ખાતે પહોંચ્યા હતા. જે બાદ સોમવારે ગુજરાતના 19 ધારાસભ્યો અને મોડી રાત્રે 14 ધારાસભ્યો જયપુર એરપોર્ટ પહોંચ્યા હતા. તેવામાં તમામ ધારસભ્યો સાથે ગુજરાતના રાજ્યસભાના કોંગી ઉમેદવાર ભરત સોલંકી અને શક્તિસિંહ ગોહિલ પણ ગઇકાલે એટલે કે, સોમવારે મોડી રાત્રે જયપુર એરપોર્ટ પહોંચ્યા હતા.
ક્રોસ વોટિંગથી બચવા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો અને પદાધિકારીઓને જયપુર શિફ્ટ કરાયા - રાજ્યસભાના કોંગી ઉમેદવાર ભરત સોલંકી
જયપુરનો શિવ વિલાસ રિસોર્ટ ગુજરાત રાજ્યસભા ચૂંટણીની રણનીતિનું કેન્દ્ર બન્યું છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોની સાથે રાજ્ય સભા ઉમેદવાર જયપુર પહોંચ્યા છે. જયપુરમાં રાજ્યસભા ચૂંટણી રણનીતિ પર મંથન કરવામાં આવશે. ગુજરાત કોંગ્રેસના લગભગ 60 ધારાસભ્યો સહિત 70 પદાધિકારીઓ અને વરિષ્ઠ નેતા જયપુર પહોંચ્યા છે.
મંગળવારે સવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા બીકે હરિપ્રસાદ પણ જયપુર એરપોર્ટ પર પહોંચ્યા હતા. વધુમાં જણાવીએ તો બીકે હરિપ્રસાદ ઇન્ડિગોની ફ્લાઇટ -6E- 212થી દિલ્હીથી જયપુર પહોંચ્યાં હતા. તે દરમિયાન બીકે હરિપ્રસાદ જયપુર એરપોર્ટ પર રાજસ્થાન વિધાનસભાના મુખ્ય દંડક મહેશ જોશીએ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ હરિપ્રસાદને કૂકસ સ્થિત શિવ વિલાસ રિસોર્ટ પર લઇ જવામાં આવ્યા હતા.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ પણ જયપુર ખાતે પહોંચ્યા હતા. જયપુર પહોંચેલા કોંગ્રેસના ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓ મંગળવારે રાજ્યસભા ચૂંટણીની રણનીતિ પર મંથન કરીને ચર્ચા કરશે. શિવ વિલાસ રિસોર્ટમાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોની સાથે પાર્ટીના પદાધિકારીઓ બેઠક કરીને આગામી રણનીતિ તૈયાર કરશે. રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગથી બચવા માટે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને જયપુર શિફ્ટ કરવામાં આવ્યા છે.