નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોનાના કહેરે હાહાકાર મચાવ્યો છે. કરોડો લોકોનો ભોગ લેનાર આ મહામારીની હજી કોઈ દવા કે રસી શોધાઈ નથી. તેના માટે અલગ-અલગ હોસ્પિટલોમાં પરીક્ષણો પણ થઈ રહ્યા છે. ભારતમાં પ્લાઝમા થેરાપી દ્વારા થોડા ઘણા અંશે દર્દીઓ સાજા થઈ રહ્યા છે પરંતુ તે કોરોનાનો રામબાણ ઇલાજ સાબિત થઈ શક્યો નથી.
રાજીવ ગાંધી સુપર સ્પેશિયલિટી હોસ્પિટલમાં કોરોનાની દવાઓનું થઈ રહ્યું છે પરીક્ષણ
કોરોનાના કહેરથી છુટકારો મેળવવા સમગ્ર દેશમાં તેની દવા અને રસી વિશે સંશોધનો થઈ રહ્યા છે. દિલ્હી સરકાર દ્વારા સંચાલિત રાજીવ ગાંધી સુપર સ્પેશિયલિટી હોસ્પિટલમાં પ્લાઝમા થેરાપી ઉપરાંત 2 અન્ય દવાઓનું પરીક્ષણ ચાલી રહ્યુ છે.
પૂર્વ દિલ્હીના તાહિરપુરમાં આવેલી રાજીવ ગાંધી સુપર સ્પેશિયલિટી હોસ્પિટલમાં કોરોનાના 270 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં દરરોજ 20નો વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર બી. એલ. શેરવાલ જણાવે છે કે, હાલમાં ICMRની ગાઇડલાઇન્સ અનુસાર કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે અને તમામ હોસ્પિટલોમાં તે પ્રકારે જ કામકાજ ચાલી રહ્યું છે. આ ઉપરાંત ICMR અને DRDO ની બે દવાઓનું કોરોનાના દર્દીઓ પર પરીક્ષણ કરી કોરોનાના ઈલાજ અંગે સંશોધન કરવામાં આવી રહ્યું છે.
ICMR અને DRDOની જે બે દવાઓ પરીક્ષણ હેઠળ છે. તેનો કોરોના વાઇરસના જ કુટુંબની એક અન્ય બિમારી સાર્સમાં ઉપયોગ થઈ ચૂક્યો છે. આથી હવે કોરોના ના દર્દીઓ પર તે કેવું પરિણામ આપે છે તે ડોકટરો ચકાસી રહ્યા છે. આ દવાઓના પ્રયોગમાં અમુક કેસમાં સફળતા પણ મળી છે પરંતુ તે સિવાય ની અન્ય દવાઓ સાથે પણ પરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે.