નવી દિલ્હી: રાજસ્થાનમાં રાજકીય સંકટ દરમિયાન નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટ સોમવારે જયપુરમાં યોજાયેલી કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં ભાગ લીધો ન હતો. પાયલટની નજીકના ઘણા ધારાસભ્યો પણ આ બેઠકમાં હાજર રહ્યાં ન હતા. દરમિયાન કોંગ્રેસના નેતા સંજય ઝાએ સચિન પાયલટને ટેકો આપ્યો છે અને પાર્ટી હાઈકમાન્ડ પાસે માંગ કરી છે કે તેમની વાત સાંભળવામાં આવે.
સચિન પાયલટને બદનામ કરવા તમાશો થઈ રહ્યો છે: સંજય ઝા - સચિન પાયલટ
રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસના નેતા સંજય ઝાએ નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટને ટેકો આપ્યો છે. પાર્ટી હાઈકમાન્ડ પાસેથી મુદ્દો ઉકેલવાની માંગ કરી છે. ઝા કહે છે કે, આ તમાશો પાયલટને બદનામ કરવા માટે થઈ રહ્યો છે.
સંજય ઝાએ એક વીડિયો નિવેદન બહાર પાડતાં કહ્યું કે, 'વર્તમાન કટોકટીમાં હું સચિન પાયલટનું સંપૂર્ણ સમર્થન કરું છું. આની પાછળ એક સરળ કારણ છે, કથિત આક્ષેપો અંગે તમારા પોતાના નાયબ મુખ્યપ્રધાનની તપાસ કેવી રીતે કરી શકો છો, જ્યારે આપણે જાણીએ છીએ કે ગૃહ મંત્રાલય મુખ્યપ્રધાનને રિપોર્ટ કરે છે.'
તેમણે કહ્યું કે, 'આ એક ષડયંત્ર છે, જેનો ઉદ્દેશ સચિન પાયલટને બદનામ કરવાનો છે. તેમને ધમકી આપવામાં આવી રહી છે કે, તેમની પાસે હાઈકમાન્ડના આદેશોનું પાલન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.' સંજય ઝાએ કહ્યું કે, સચિન પાયલટને કારણે કોંગ્રેસ વર્ષ 2018માં રાજસ્થાનમાં સત્તા પર પાછી આવી. પાયલટે કોંગ્રેસની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.