હૈદરાબાદઃ વાવાઝોડાની અસરને કારણે હૈદરાબાદમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગત 2 દિવસથી વરસી રહેલા સતત વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે. આ વરસાદને કારણે હૈદરાબાદમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.
ભારે વરસાદના કારણે કોટિ, બેગમ બજાર, નામપલ્લી, બશીરબાગ, નારાયણગુડા અને અન્ય સ્થળોએ રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ ઉપરાંત કેટલાય વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે. જેથી મોટર સાઈકલ તેમજ પદયાત્રીઓ માટે ગંભીર સમસ્યા ઉત્પન્ન થઈ છે.
ધારાસભ્ય સુધીર રેડ્ડીએ એલબી નગરની આસપાસના પાણી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ સાથે જ GHMC અને રંગારેડ્ડી જિલ્લાને હવામાન વિભાગ દ્વારા એલર્ટ કરાયાં છે.
હવામાન વિભાગે હૈદરાબાદ સહિત રાજ્યના કેટલાય વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સંદર્ભમાં હવામાન વિભાગે હૈદરાબાદમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. IMDએ ઉત્તર અને પશ્ચિમ તેલંગાણા જિલ્લામાં પણ ચેતવણી આપી છે. આ ઉપરાંત પૂર્વી અને મધ્ય તેલંગાણાના જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
વાવાઝોડાની અસરને પગલે પસુમમુલા અને અબ્દુલ્લાપુરમાં 11.5 સે.મી, હયાતનગરમાં 6.5 સે.મી વરસાદ નોંધાયો હતો, જ્યારે ઈબ્રાહીમપટ્ટનમમાં 12.6 સે.મી વરસાદ નોંધાયો હતો.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના નિર્દેશક વિશ્વજીતે લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નિકળવા વિનંતી છે, તેમણે કહ્યું કે કોઇપણ આફતનો સામનો કરવામાટે 90થી વધુ ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.