નવી દિલ્હી: કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલે શનિવારે જણાવ્યું હતું કે, ભારતીય રેલવેએ નોવેલ કોરોના વાઈરસના ફેલાવા સામે લડવા માટે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉન વચ્ચે છેલ્લા 15 દિવસમાં 1074થી વધુ શ્રમિક સ્પેશિય ટ્રેનમાં 15 લાખ ફસાયેલા પરપ્રાંતિય મજૂરોને ઘરે પહોચાડ્યા છે.
પિયુષ ગોયલ કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પણ છે. ગોયલે એક ટ્વીટ દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે, 15 મેની મધ્યરાત્રિ સુધીમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી કુલ 1,074 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી છે. જેમાં 1.4 મિલિયનથી વધુ ફસાયેલા લોકોને તેમના વતન પરત ખસેડવામાં આવ્યા છે.
રેલવેે મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, છેલ્લા 3 દિવસથી રોજ 2 લાખથી વધુ લોકોનું પરિવહન કરવામાં આવી રહ્યું છે, જે આગામી દિવસોમાં 3 લાખ પ્રવાસી સુધી વધારવામાં આવે તેવી સંભાવના છે.
અધિકારીએ જણાવ્યું હતું કે આ 1,074 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો આંધ્રપ્રદેશ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, કેરળ, ગોવા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહાર જેવા વિવિધ રાજ્યોમાંથી દોડી રહી છે. રેલવેએ ફસાયેલા સ્થળાંતર કામદારો, પ્રવાસીઓ, યાત્રાળુઓ અને વિદ્યાર્થીઓ માટે 1 મેથી શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની શરૂઆત કરી હતી.
25 માર્ચથી કોવિડ-19ના ફેલાવા સામે લડવા માટે રેલવેએ તમામ પેસેન્જર, મેઈલ અને એક્સપ્રેસ ટ્રેનોને સ્થગિત કરી દીધી હતી. જરૂરી ચીજવસ્તુઓના પરિવહન માટે ફક્ત નૂર અને વિશેષ પાર્સલ ટ્રેનો ચલાવવામાં આવી રહી હતી. 12 મેથી રેલવેએ પણ 30 વિશેષ રાજધાની એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાની શરૂઆત કરી હતી.