નવી દિલ્હી: ભારતીય રેલવેએ સોમવારે જણાવ્યું હતું કે, લોકડાઉનના પહેલા 10 દિવસમાં યાત્રી હેલ્પલાઈનમાં કુલ 1.25 લાખ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાંથી 87 ટકા પ્રશ્નનોનું નિરાકરણ ઓપરેટર દ્વારા કરવામાં આવ્યું હતું.
21 દિવસના લોકડાઉનની જાહેરાત બાદ રેલવેએ કંટ્રોલ ઓફિસ ખોલી હતી. ડિરેક્ટર કક્ષાના અધિકારીઓ દ્વારા કંટ્રોલ ઓફિસનું સંચાલન કરવામાં આવે છે, જેઓ સોશિયલ મીડિયા અને ઈ-મેઈલ પર નાગરિકોના પ્રતિસાદનું નિરીક્ષણ કરે છે, અને ખાસ કરીને સામાનની અવરજવર પર યોગ્ય પગલા લેવામાં આવે છે, તેની ખાતરી કરે છે. કંટ્રોલ ઓફિસ 4 કમ્યુનિકેશન પ્લેટફોર્મ-હેલ્પલાઈન્સ- 139, 138, સોશિયલ મીડિયા(ટ્વિટર) અને ઈ-મેઈલ (Railmadad@rb.railnet.gov.in) પર 24x7 મોનિટરિંગ કરી રહી છે.