લખનઉઃ પ્રિયંકા વાડ્રા અને રાહુલ ગાંધી પીડિતાના પરિવારને મળવા માટે રવાના થઈ ગયા છે. આ દરમિયાન ગ્રેટર નોઈડામાં કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના કાફલાઓને રોકી દેવામાં આવ્યા હતો. હવે બંને નેતાઓ કોંગ્રેસના કાર્યકરો સાથે પગપાળા નીકળી પડ્યા છે. કોંગ્રેસના નેતાઓ હાથરસ જવા તરફ ચાલવા લાગ્યા છે.
ઉત્તર પ્રદેશના હાથરસમાં સામૂહિક દુષ્કર્મમાં પીડિતાને ન્યાય મળે તે માટે દેશભરમાં રોષ છે. પીડિતાના મૃત્યું બાદ તેના પર બળજબરીથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ અંગે અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. રાજ્યની યોગી આદિત્યનાથ સરકાર આ મામલે વિપક્ષના નિશાના પર છે.
આ દરમિયાન કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે હાથરસમાં પીડિત પરિવાર સાથે મુલાકાત કરશે. બીજી તરફ હાથરસના જિલ્લા મેજિસ્ટ્રેટનું કહેવું છે કે જિલ્લાની સીમા સીલ કરી દેવામાં આવી છે અને કલમ 144 લાગુ કરવામાં આવી છે.