રાહુલ ગાંધીએ કાશ્મીરને ભારતનો અંગત મુદ્દો ગણાવ્યો
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારના રોજ જમ્મુ કાશ્મીર પર ટ્વિટ કર્યુ હતું. જેમાં તેમને જણાવ્યું હતુ કે, ઘણા મુદ્દાઓ પર નરેન્દ્ર મોદીના સરકારથી તેઓ અસહમત છે. પણ તેમને વધુમાં જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીર ભારતનો આંતરીક મામલો છે અને પાકિસ્તાન કે બીજા કોઇ દેશ આ મામલા પર દખલ અંદાજી કરી શકે નહીં. રાહુલના આ ટ્વિટ પછી ભારે હંગામો થયો હતો. પાકિસ્તાન રાહુલની આ વાતનો સંદર્ભ સંયુક્ત રાષ્ટ્રમાં આપી રહ્યું છે.
રાહુલ ગાંધીએ કરેલા ટ્વીટ પર ભારે હંગામો થયો હતો. જેની જાણ થતા કોંગ્રેસમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો અને કોંગ્રેસ પ્રવક્તા રણદિપ સિંહ સુરજેવાલાએ આ બાબત પર ખુલાસો કર્યો હતો.
સુરજેવાલાએ કહ્યું કે, જમ્મુ કાશ્મીર પર યુએનમાં પાકિસ્તાન તરફથી એક કથિત હવાલાની અરજીનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં રાહુલ ગાંધીના નામને ખોટી રીતે લાવવામાં આવ્યું છે અને ખોટાને સાચો દેખાડવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન દ્નારા ફેલાવવામાં આવેલો મેસેજ ખોટો છે.
રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, એવા રિપોર્ટ્સ પણ મળ્યા છે કે, પાકિસ્તાન સરકાર UNમાં જમ્મુ-કાશ્મીર મુદ્દે તેમનું જુઠ્ઠાણુ સાબીત કરવા રાહુલ ગાંધીના નામનો ઉપયોગ કરી રહ્યું છે. પાકિસ્તાન રાહુલ ગાંધીના નામે ખોટો મેસેજ ફેલાવી રહી છે. રાહુલ ગાંધીએ પણ સ્પષ્ટ ખુલાસો કરી દીધો છે કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે.