ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પી. વી. નરસિંહ રાવ : ભારતના અર્થતંત્રને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઊભું કરનારા નેતા - P.V. Narsinhma Rao

આધુનિક ચાણક્ય તરીકે ઓળખાયેલા પી. વી. નરસિંહ રાવનો જન્મદિન 28 જૂન આવે છે. આ વખતે જન્મદિન વધારે અગત્યનો છે કેમ કે આ તેમની જન્મ શતાબ્દિનો દિવસ છે. રાષ્ટ્રનિર્માણ, રાષ્ટ્રી નીતિ, જનતા નીતિ અને વહિવટી કુશળતાના કારણે ભૂતપૂર્વ વડા પ્રધાન નરસિંહ રાવને યાદ કરાય છે. તેમણે પાંચ વર્ષ સુધી સફળતાપૂર્વક લઘુમતી સરકાર ચલાવી એવી તેમની રાજકીય સૂઝબૂઝને કારણે જ આધુનિક ચાણક્ય કહેવાયા. રાજનીતિજ્ઞ ઉપરાંત આર્થિક સુધારા લાવનારા, ભાષાશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી અને વિદ્વાન લેખક પણ તેઓ હતા તે રીતે હું આજે તેમને આદરપૂર્વક યાદ કરું છું.

પી. વી. નરસિંહ રાવ : ભારતના અર્થતંત્રને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઊભું કરનારા નેતા
પી. વી. નરસિંહ રાવ : ભારતના અર્થતંત્રને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઊભું કરનારા નેતા

By

Published : Jun 28, 2020, 12:21 AM IST

Updated : Jun 28, 2020, 5:07 PM IST

નરસિંહ રાવની સરકારમાં નાણા પ્રધાન તરીકે ડૉ. મનમોહન સિંહને લેવામાં આવ્યા અને ત્યાર બાદ ભારતીય અર્થતંત્રને મોકળું મેદાન આપવામાં આવ્યું તેના ફળો આજેય મળી રહ્યા છે. આર્થિક ઉદારીકરણની નીતિ સાથે પરવાના રાજ ખતમ કરવામાં આવ્યું. ભારતીય ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા માટે ખોલી દેવામાં આવ્યા. ભારતના એ આર્થિક નીતિ પરિવર્તનની બહુ ચર્ચા થઈ છે, તેનું હું અહીં પુનરાવર્તન નહિ કરું, પણ એટલું જ કહીશ કે હિન્દુ ગ્રોથ રેટ ધરાવતા ભારતના અર્થતંત્રનું તેમણે વૈશ્વિકીકરણ કર્યું હતું. પાંચ દાયકા સુધી ભારત મર્યાદિત વિકાસ કરતો રહ્યો અને તે પછી તેમાં સુધારો આવ્યો.

નરસિંહ રાવ વડા પ્રધાન હતા તે દરમિયાન જૂન 1994થી ઑક્ટોબર 1997 સુધી હું કેન્દ્ર સરકારમાં ગૃહ સચિવ તરીકે હતો. સરકારમાં ગૃહ સચિવની કામગીરી સૌથી અગત્યની હોય છે અને મોટા ભાગે વડા પ્રધાન પોતાના રાજ્યની કેડરના, પોતાની સાથે કામ કરી ચૂકેલા આઈએએસ અધિકારીને જ આવી ચાવીરૂપ જગ્યા પર મૂકતા હોય છે. પોતાના ભરોસાના અધિકારીને આ જગ્યાએ મૂકવા જરૂરી મનાતા હોય છે. પરંતુ મારા કિસ્સામાં એવું થયું નહોતું. હું મહારાષ્ટ્ર કેડરમાં હતો અને કેન્દ્ર સરકારમાં મેં લાંબો સમય કામ પણ કર્યું નહોતું. 1982-86 દરમિયાન સહસચિવ તરીકે કામ કર્યું હતું એટલું જ.

મારી બીજી મુદત 1993-94માં શરૂ થઈ હતી અને મને શહેરી વિકાસ મંત્રાલયમાં સચિવ તરીકે મૂકવામાં આવ્યો હતો. તે થોડા સમયગાળા દરમિયાન વડા પ્રધાન નરસિંહ રાવને પ્રથમવાર મળવાનું થયું હતું. આટલા ઓછા પરિચય છતાં તેમણે મને ગૃહ સચિવપદે મૂક્યા. તેનું કારણ કદાચ એ કે ગૃહ પ્રધાન તરીકે મહારાષ્ટ્રના શંકરરાવ બી. ચવ્હાણ હતા અને તેમણે મારું નામ કાર્યદક્ષ અધિકારી તરીકે આપ્યું હશે. હું આ વાતનો ખાસ ઉલ્લેખ એટલા માટે કરી રહ્યો છું કે નરસિંહ રાવ લાગવગમાં નહોતા માનતા, પરંતુ મેરીટ પર ભરોસો રાખતા હતા. આવા ભરોસાના કારણે જ તેમણે વિપક્ષના નેતા સુબ્રમણિયમ સ્વામીને કેબિનેટ કક્ષાનો દરજ્જો આપ્યો હતો. એટલું જ નહિ વિપક્ષના અન્ય નેતા અને પ્રભાવી વક્તા અટલ બિહારી વાજપેયીને સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં ભારતના પ્રતિનિધિ તરીકે મોકલ્યા હતા. સૌથી અગત્યની વાત કે તેમણે અર્થશાસ્ત્રી અને બિનરાજકીય વ્યક્તિ ડૉ. મનમોહન સિંહને દેશના નાણા પ્રધાન બનાવ્યા.

સૌ પ્રથમ મેં જોયું કે નરસિંહ રાવ બહુ સંયમી, શાંત અને ધીરજવાન હતા. તેમના રાજકીય વિરોધીઓ સતત પરેશાની ઊભી કરતા હતા (મોટા ભાગના તેમના કોંગ્રેસ પક્ષના જ હતા), તેમ જ છતાં ક્યારેય અસ્વસ્થ થયેલા લાગ્યા નહોતા. વહીવટી અને રાજકીય રીતે બાબરી મસ્જિદનો ધ્વંસ જેવી ઘટનાઓ બની હતી, પણ તેમણે હંમેશા સંતુલન જાળવીને ટીકાનો સામનો કર્યો હતો. બાબરી મસ્જિદના મુદ્દે તપાસ કરનારી લિબ્રાહન પંચે બહુ ઝીણવટભરી તપાસ કરીને જણાવ્યું હતું કે વડા પ્રધાન રાવે લીધેલા વલણ બદલ તેમને ક્યાંય દોષી ઠેરાવી શકાય તેમ નથી. તેઓ ખરેખર સ્થિતપ્રજ્ઞ રાજપુરુષનો નમૂનો હતા.

તેમના શાસનનો સૌથી નોંધપાત્ર નમૂનો હતો ભારતીય બંધારણ પ્રત્યે તેમની સંપૂર્ણ નિષ્ઠા. કોઈ પણ નવી નીતિ તેમની સામે મૂકવામાં આવે ત્યારે સૌ પ્રથમ તેઓ એ જ પ્રશ્ન પૂછતા: “શું આ બંધારણીય છે?“. માત્ર શબ્દોમાં નહિ, પણ ભાવનામાં પણ બંધારણની વિરુદ્ધ હોય તેવી કોઈ દરખાસ્ત તેઓ ક્યારેય સ્વીકારતા નહિ.

ભારત માટે 'પૂર્વતરફની દૃષ્ટિ”ની નીતિ ઘડનારા તેઓ પ્રથમ નેતા હતા. તેમની અગાઉ ભારતનું ધ્યાન પશ્ચિમ તરફ અને અખાત દેશો તરફ હતું. તેઓ માનતા હતા કે બાંગ્લાદેશ, મ્યાનમાર, થાઇલેન્ડ અને અન્ય પૂર્વ એશિયાના દેશો સાથે સંબંધો કેળવીને ભારત એશિયામાં પોતાનું સ્થાન મેળવી શકે છે. તેમણે જ ઇઝરાયલ સાથે સૌથી મજબૂત સંબંધો કેળવ્યા હતા અને 1992માં નવી દિલ્હીમાં તેની એમ્બેસી ખોલવાની મંજૂરી આપી હતી. તેમણે ઇરાન સાથે પણ મજબૂત સંબંધો સ્થાપ્યા હતા.

નરસિંહ રાવના કાર્યકાળમાં જ ભારતની અણુ ક્ષમતા, બેલેસ્ટિક મિસાઇલ પ્રોગ્રાને સફળતા તરફ આગળ વધારવામાં આવ્યો હતો. મે 1996માં લોકસભાની ચૂંટણી પૂર્વે તેમણે ડૉ. અબ્દુલ કલામને જણાવી રાખ્યું હતું કે તમે અણુ પરીક્ષણ માટેની તૈયારી કરીને રાખો. જોકે ચૂંટણીના પરિણામો જુદા જ આવ્યા અને કોંગ્રેસ હારી ગઈ અને તેથી આખરે દ્વિતિય અણુ પરીક્ષણ કરવાનું 1998માં વાજપેયી સરકારના ભાગે આવ્યું હતું.

તેઓ કાશ્મીર મુદ્દાને ઉકેલી નાખવા માટે આતુર હતા. 1993થી 1997 સુધી ઉદ્દામવાદ બહુ વધી પડ્યો હતો, પણ તેમણે ડૉ. ફારૂક અબ્દુલ્લા અને બીજા નેતાઓને કહ્યું હતું કે પોતે સમસ્યાના ઉકેલ માટે કોઈ પણ દરખાસ્ત માટે તૈયાર છે. બસ તેની એક માત્ર શરત એ હતી કે કાશ્મીર ભારતનો અતૂટ હિસ્સો રહેવો જોઈએ. સત્તાવાર મુલાકાત પર હતા ત્યારે બુર્કિનો ફાસોમાં તેમણે જાહેરાત કરી હતી કે “કાશ્મીર ભારતનો આંતરિક હિસ્સો રહેતો હોય ત્યાં સુધી તેને ગમે તે હદ સુધીની સ્વાયત્તતા આપી શકાય છે.” જોકે આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય તે પહેલાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ હારી ગયો અને સત્તા ગુમાવવી પડી.

જમ્મુ અને કાશ્મીરમાં 8 વર્ષ સુધી ચૂંટણીઓ યોજી શકાઈ નહોતી. તેથી રાવ ઇચ્છતા હતા કે રાજ્યમાં વિધાનસભાની અને લોકસભાની બંનેની ચૂંટણીઓ યોજાવી જોઈએ. લોકોને પોતાની સરકાર ચૂંટવાનો અધિકાર છિનવી શકાય નહિ તેમ તેઓ માનતા હતા. તેમણે મને કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીથી રાજ્યની ચૂંટણી અલગ કરીને દેશભરમાં ચૂંટણીઓ થઈ જાય પછી જમ્મુ અને કાશ્મીરમાં પણ ચૂંટણીનો આયોજન થવું જોઈએ. જોકે કોંગ્રેસની સરકાર ફરી સત્તામાં ના આવી, પરંતુ દેવે ગોવડાની સરકાર વખતે જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણીઓ થઈ. તે માટે ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયને તનતોડ મહેનત કરવી પડી હતી.

નરસિંહ રાવ માનતા હતા કે ચૂંટણીઓ યોજાય તે ઉદ્દામવાદને ખતર કરનારી રસી સાબિત થાય છે. તેમણે ઉદ્દામવાદથી ગ્રસ્ત રાજ્યો આસામ અને પંજાબમાં પણ ચૂંટણીઓ યોજાય તે માટે આગ્રહ રાખ્યો હતો. ભલે મતદાન બહુ ઓછું થાય, પણ ચૂંટણીઓ યોજાવી જોઈએ એવો તેમણે આગ્રહ રાખ્યો હતો. તેમની વાત સાચી નીકળી હતી અને ચૂંટણીઓના આયોજનને કારણે ઉદ્દામવાદી પ્રવૃત્તિઓ કાબૂમાં આવી હતી અને રાબેતા મુજબની સ્થિતિ સ્થાપી શકાય હતી.

ઘણા લોકોને એ ખ્યાલ નથી કે નાગા વિદ્રોહીઓ સાથે પણ નરસિંહ રાવે જ વાતચીતની શરૂઆત કરી હતી. જૂન 1995માં તેઓ નાગા બળવાખોરોના નેતા મુવૈયા અને ઇસાક સ્વૂને પારીસમાં મળ્યા હતા. કાયમી ઉકેલ માટે તેમણે આ નેતાઓ સાથે વાતચીત કરી હતી. અત્યાર સુધી નાગા ઉદ્દામવાદને કાયદો અને વ્યવસ્થાની સમસ્યા તરીકે જોવામાં આવતી હતી, પણ નરસિંહ રાવ એ વાત સ્વીકારવા તૈયાર થયા કે આ એક રાજકીય સમસ્યા છે. તેમણે નાગા નેતાઓ સાથે વાતચીત કરી અને તેના કારણે જ આખરે ઑગસ્ટ 1997માં નાગા બળવાખોરો સાથે કરાર થયા અને નાગાલેન્ડમાં શાંતિની સ્થાપના થઈ.

નરસિંહ રાવ કદાચ એકમાત્ર એવા ભારતીય વડા પ્રધાન હતા, જેમની સામે અનેક ફોજદારી કેસ દાખલ કરીને હેરાન કરવામાં આવ્યા હતા. તેઓ સત્તામાં હતા ત્યારથી કેસ થવા લાગ્યા હતા અને બાદમાં પણ ચાલતા રહ્ય હતા. વર્ષો સુધી આ કેસ ચાલતા રહ્યા અને તેના કારણે તેમને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. 1996થી 2002 સુધી જેએમએમ લાંચ પ્રકરણમાં તેમણે તપાસનો સામનો કરવો પડ્યો હતો. સેન્ટ કિટ્સ અને લાખુભાઇ પાઠક કેસો પણ ચાલતા રહ્યા હતા. આ બધા કેસોમાંથી આખરે તેઓ પાર આવી શક્યા હતા. રાજકીય હરિફોએ આ બધા કેસ કર્યા હતા. ઘણા કોંગ્રેસીઓ અને કેટલાક વિપક્ષી નેતાઓ એ વાતે નારાજ થયા હતા કે નરસિંહ રાવે જૈન હવાલા ડાયરીના આધારે ઘણા નેતાઓ સામે સીબીઆઈની તપાસના આદેશ આપ્યા હતા. જૈન હવાલા કેસમાં જોકે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો, કેમ કે સુપ્રીમ કોર્ટે જ આ કેસમાં તપાસ માટેના આદેશ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટ દર અઠવાડિયે તેની તપાસ પર નજર પણ રાખતી હતી. એ કમનસીબી હતી કે કોંગ્રેસ પક્ષના જ તેમના કેટલાક સાથીઓ તેમની સામે દ્વેષ રાખતા હતા.

ચૂંટણીમાં હાર પછી મે 1996માં નરસિંહ રાવે વડા પ્રધાન પદ છોડ્યું. ભૂતપૂર્વ વડા પ્રધાન તરીકે મળતા આવાસમાં તેઓ દિલ્હીમાં જ રહેતા હતા. હું પણ દિલ્હીમાં જ રહેતો હતો અને ઘણી વાર તેમના ઘરે જઈને તેમને મળતો હતો. આ મહાન નેતા છેલ્લા દિવસોમાં બહુ એકાકી જીવન જીવતા હતા અને પોતાનો સમય પુસ્તકો લખવામાં વિતાવતા હતા.

આ મહાન નેતાને ભારત રત્ન આપવામાં આવે તે સમય હવે આવી ગયો છે. નરસિંહ રાવના વખાણ કરતાં ભૂતપૂર્વ વિદેશ પ્રધાન નટવર સિંહે લખ્યું હતું કે: “તેમના મૂળિયા ભારતની ધાર્મિક અને અધ્યાત્મિક ભૂમિમાં ખોડાયેલા હતા. તેમને 'ડિસ્કવર ઇન્ડિયા'ની ક્યારેય જરૂર પડે તેમ નહોતી.”

-કે. પદ્મનાભૈયા, ભૂતપૂર્વ ગૃહ સચિવ

Last Updated : Jun 28, 2020, 5:07 PM IST

ABOUT THE AUTHOR

...view details